ભરૂચ,
ભરૂચની મધ્ય માંથી પસાર થતી નર્મદા નદી ઉપરના નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઈ રહી છે.બ્રિજ ના નિર્માણ બાદ તેને વાહનો માટે ખુલ્લો મૂક્યા બાદ એસટી બસો અને અન્ય વાહનોના વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો.તેમ છતાં નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપવામાં આવતા ઘણા સમય થી લોકોના જીવનું જોખમ ઉભું થતું હોય તેમ જોવા મળી રહ્યું છે અને વારંવાર એસટી બસના અકસ્માતો સામે આવી રહ્યા છે.
આજરોજ વહેલી સવરે નર્મદા મૈયા બ્રિજ પરથી પુર ઝડપે અંકલેશ્વર થી ભરૂચ તરફ આવતી એસ.ટી બસન ચાલકે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી ફંગોળાઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે ભરૂચ તરફ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો અટવાયા હતા.અકસ્માતના પગલે એસટી બસમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા.જોકે સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી ઉપર બ્રિજ નિર્માણ બાદ અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યા છે.જેમાં ખાસ કરીને વધુ અકસ્માત એસટી બસના થયા હોવાનું સામે આવી રહ્યા છે.જેના પગલે એસટી વિભાગે બ્રિજ ઉપરથી બસોને પસાર થવા માટે ૪૦ ની સ્પીડ નક્કી કરવામાં આવ્યા બાદ પણ એસટી બસના અકસ્માતો માં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે એસટી વિભાગ દ્વારા એસટી બસના ચાલકોને ઓછી સ્પીડે બસ હંકારે તે માટે કંટ્રોલ કરવામાં આવે તે જરૂરી છે.