વાગરા,
વાગરાની મુલેર ચોકડી નજીક એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.જેને લઈ એક સમયે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
બનાવની જાણવા મળતી માહિતી અનુસાર ગુરુવારની રાત્રીના આશરે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ ભરૂચ હીલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે દહેજ – આમોદને જોડતા માર્ગ ઉપર આવેલ મુલેર ચોકડી ખાતે એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થયું હતું.ટેન્કર લીકેજ થતા ટેન્કરમાં રહેલ કેમિકલ માર્ગ ઉપર વહેતુ થયું હતું.માર્ગ ઉપર કેમિકલ ઢોળાતા સફેદ કલરના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.જેને લઈ એક સમયે ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.ફાયર વિભાગને કોલ મળતાજ ફાયર ફાઈટરો બનાવવાળી જગ્યાએ આવી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.કેમિકલ ભરેલ ટેન્કર માંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું હોવાથી સલામતીના ભાગરૂપે થોડા સમય માટે માર્ગ બંધ કરાવ્યો હતો.જોકે ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી મોટી હોનારત થતા અટકાવી હતી.જે બાદ માર્ગ પૂર્વરત કરાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્કરનો અકસ્માત થયો હતો. જેને લઈ ટેન્કરનો વાલ્વ તૂટી જવાના કારણે ટેન્કરમાં રહેલ કેમિકલ લીકેજ થયું હતું. બનાવવાળી જગ્યાએ ઉપસ્થિત પ્રત્યક્ષદર્શી સૂત્રના જણાવ્યા અનુસાર કેમિકલ લીકેજ થતા ગભરાહટનો માહોલ ઉદ્દભવ્યો હતો.રોડ ઉપર ઢોળાતું કેમિકલ સફેદ કલરના દુમાડાના સ્વરૂપે હવામાં ઉડતું નજરે પડ્યું હતું.કેમિકલ વાયુ વેગે પ્રસરતા લોકોની આંખોમાં બળતરા પણ થવા લાગ્યા હતા.જોકે મોટી હોનારત ટળી જતા અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.