(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના ગરુડેશ્વર ખાતે બની રહેલ આદિવાસી મ્યુઝિયમ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે.આદિવાસી મ્યુઝિયમ પાસે નજીકના ગામના બે વ્યક્તિઓને માર મારવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.ઘટના બાદ નાંદોદના ધારસભ્ય દર્શનાબેન દેશમુખ ગરુડેશ્વર પી.એચ.સી.સેન્ટર ખાતે મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચી ગયાં હતા.ધારાસભ્ય દર્શનાબેને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પહોંચેલ પોલીસ અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર છ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધવાની કામગીરી ચાલી રહી છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓ ને બચાવવા, કાયદેસર ની કાર્યવાહી માટે પોલીસ એફ.આઈ.આર. માં છ મજૂરો અને સુપરવાઇઝર નું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે અમારી માંગણી છે કે આ પરિવારના એક ના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઈડ એજન્સી નો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને એ પરિવારને માનવતાને રીતે મદદરૂપ થવાની વાત કરે, અને જવાબદારો સામે કાયદેસર ની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડબોડીનું પીએમ થાય પછી જ અમે બોડી સ્વીકારીશું. અગર આ પરિવારને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે, અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટુ જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે.જો પરિવાર ને ન્યાય ન મળે તો સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવાર ને ન્યાય અપાવવા કેવડિયા ખાતે પહોંચશે.
ગરુડેશ્વર ખાતે બની રહેલ આદિવાસી મ્યુઝિયમ ફરી વિવાદમાં : બે વ્યક્તિઓને માર મારવાનો બનાવ સામે આવ્યો
- એક વ્યક્તિનું મોત જયારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી : છ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધવાની ચાલી રહી છે કામગીરી