(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ લોકસભા ચૂંટણીમાં રોજ રોજ નવા નવા વળાંકો આવી રહ્યા છે,લોકસભાની ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના શરૂઆત થઈ છે ત્યારે ભરૂચ બેઠક પર વધુ એક સ્ફોટક પરિસ્થિતિ સર્જાય છે,ભારત આદિવાસી પાર્ટી દ્વારા એક પત્ર જાહેર કરી તેના પ્રમુખ મોહનભાઈ રોત દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રદેશકક્ષાના ભારત આદિવાસી પાર્ટીના જે પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી તે નિયુકત પદાધિકારીઓને પદમુક્ત કરવામાં આવ્યો હોવાનો એક પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે,ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સદસ્ય એવા અને માજી ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર ભરૂચ લોકસભા બેઠકમાં જે ઉમેદવારી કરવાના છે તે દિલીપ વસાવા એ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ પત્રને વાયરલ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસે ભારત આદિવાસી પાર્ટીનું એક ડેલીગેશન ભરૂચના વાસણા મુકામે આવી માજી ધારાસભ્ય છોટુ વસાવાને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક તરીકે રહેવા માટેની દરખાસ્ત મૂકી હતી.જે તમામે તેને સ્વીકારી છોટુ વસાવાને પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક તરીકેની જાહેરાત કરી હતી તથા અન્ય આગેવાનો ને પણ ગુજરાત પ્રદેશકક્ષાના પાર્ટીના હોદ્દા આપવામાં આવ્યા હતા.આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્રમાં પાર્ટીના પ્રમુખ મોહનલાલ રોતે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પદાધિકારીઓ બે વિભાગમાં વહેંચાયેલા રહેવાના કારણે અને વારંવાર જન પ્રતિનિધિ ઈલેક્શન સિસ્ટમ માટે આવશ્યક સામાજિક વ્યવસ્થા સમયસર નહીં બનાવવાના કારણે ગુજરાત રાજ્યના પદાધિકારીઓને પદ મુક્ત કરવામાં આવે છે અને લોકસભા ચુનાવ પછી ફરીથી સંગઠન સર્વ સંમતિથી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આદિવાસી પાર્ટીના બેનર હેઠળ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.જેના ભાગરૂપે પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા પણ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે,અત્રે ઉલ્લેખનીય છે કે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુ વસાવા અને તેમના નાના પુત્ર જેઓ ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સદસ્ય છે તેઓ તેમના પદે યથાવત રહેશે.
અત્રે નોંધનીય છે કે ભારત આદિવાસી પાર્ટી દ્વારા ફક્ત ગુજરાત રાજ્યમાં જે રાજ્યકક્ષાના હોદ્દા આપવામાં આવ્યા હતા તેવા જ પદાધિકારીઓને પદમુક્ત કર્યા છે.રાષ્ટ્રીય પદાધિકારીઓને પદ મુક્ત કરવામાં આવ્યા નથી,ભારત આદિવાસી પાર્ટી ના રાષ્ટ્રીય સદસ્યએ વાયરલ કરેલા પત્ર બાબતે તેમનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો.