ભરૂચ,
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા ૨.૦નું આયોજન સમગ્ર ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યુ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમતક્ષેત્રના વિકાસ માટે ખેલ મહાકુંભ ૨.૦ યોજાઈ રહ્યો છે.રમતક્ષેત્રના વિકાસની સાથે ખેલકુદના વાતાવરણના નિર્માણ સહિત નવીન પ્રતિભાઓની શોધ તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ માટે ખેલ મહાકુંભનું આયોજન ડી.એસ.પટેલ સ્પોર્ટસ સંકુલ ભરૂચ ખાતે કરાયું હતું.
એથલેટિક્સ ટુર્નામેન્ટમાં દોડ, તરણ, ખો- ખો,કબડ્ડી, જિમ્નાસ્ટીક, વોલીબોલ, ટેબલ ટેનિશ, બરછીંફેક, શુટીંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓ માંથી અંદાજિત ૩૦૦થી વધુ એથલેટોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ડીસ્ટ્રીક્ટ લેવલ એથલેટિક્સ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ પણ જુદી- જુદી એથલેટિક્સ ટુર્નામેન્ટ ડીસ્ટ્રીક્ટ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.જેમાંથી એક જ સ્કૂલના ૮ જેટલા વિદ્યાર્થીઓએ અલગ – અલગ ઈવેન્ટમાં વિજેતા થયા હતા.
ભરૂચ ખાતે યોજાયેલી ખેલમહાકુંભ અંતર્ગત એથલેટિક્સ ટુર્નામેન્ટ ડીસ્ટ્રીક્ટ લેવલની સ્પર્ધામાં શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના એથલેટોના પ્રદર્શનની વાત કરીયે તો, અંડર ૧૭ કેટેગરીમાં વસાવા નીતિક્ષાબેન વિક્રમભાઈ જેઓ ૧૫૦૦ મિટર તેમજ ૮૦૦ મીટર દોડ બંનેમાં પ્રથમ ક્રમે રહ્યા, અંડર ૧૪ કેટેગરીમાં રેખાબેન રમેશભાઈ વસાવા ૪૦૦ મીટર દોડ અને લાંબી કૂદમાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યા, ચક્ર ફેંક રમતમાં અંડર ૧૪ કેટેગરીમાં સારિકાબેન પ્રથમ ક્રમે, અંડર ૧૫ કેટેગરીમાં રોશનીબેન છત્રસીંગ વસાવા ૪૦૦ મીટર દોડમાં દ્રિતીય ક્રમે, ૬૦૦ મીટર દોડમાં અંડર ૧૪ કેટેગરીમાં યોગીતાબેન રમેશભાઈ દ્રિતીય ક્રમે, અંડર ૧૭ કેટેગરીમાં બરછી ફેંક રમતમાં શીતલબેન વસાવા દ્રિતીય ક્રમે, અંડર ૧૧ કેટેગરી ૧૦૦ મીટર દોડમાં ઋત્વિકભાઈ વસાવા ત્રીજા ક્રમે અને લાંબી કૂદની રમતમાં અંડર ૯ કેટેગરીમાં ધ્રુવીક ભાઈ વસાવા ત્રીજા ક્રમાંકની સિધ્ધી હાંસલ કરી હતી.
આમ કુલ ૭ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.આમ ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મેડલ મેળવતા શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા આચાર્ય રંજનબેન વસાવા અને આશ્રમ શાળા અધિકારી રવીન્દ્ર વસાવા, શિક્ષકગણ અને કોચ એન.ટી. ભિલાલા વતી રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. જેમાંથી પ્રથમ નંબર અને દ્રિતીય ક્રમ મેળવનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાની ઈવેન્ટમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.