ભરૂચ,
ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધનના પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો વિખવાદ હવે સપાટી પર આવવા લાગ્યો છે.ભાજપ સામે લડવાના ઉદ્દેશ સાથે સાથે આવેલા આ બંને પક્ષોએ હવે એકબીજા સામે બાંયો ચઢાવી છે.ગઈકાલે અહમદ પટેલ અંગે આપ નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચ કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.કોંગ્રેસના નેતાઓએ પણ હવે આપ નેતાઓ સામે નિવેદનો આપવાનું શરૂ કર્યું છે.
ગત રોજ આપના નેતા સંદીપ પાઠકે પત્રકારોને સંબોધતા એમ કહ્યું હતું કે, ભરૂચ બેઠક ન તો કોંગ્રેસની છે ન તો અહમદભાઈની છે.લોકલાગણી હાલમાં કોંગ્રેસ સાથે નહિ પરંતુ ચૈતર વસાવા સાથે છે. આ નિવેદન સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોએ સોશિયલ મીડીયા પર આપ નેતા સંદીપ પાઠક ને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીકેટ ઝુબેર પટેલનો એક મેસેજ વાયરલ થયો હતો જેમાં તેમણે સંદીપ પાઠકને આડે હાથે લઈ તેમને માપ માં રહેવાની સલાહ આપી હતી.
આ અંગે ઝુબેર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પહેલા તો આમ આદમી પાર્ટીના નેતાઓએ ગઠબંધનના નિયમો તોડી ઉમેદવાર જાહેર કરી દીધો છે.ચૈતર વસાવા ગઠબંધનનો ઉમેદવાર નથી. ભરૂચ જિલ્લાના વિકાસમાં કોંગ્રેસનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.એકપણ જગ્યા એવી નહિ હોય કે જ્યાં અહમદ પટેલની ગ્રાન્ટ વપરાયેલી ના હોય. ત્યારે આપ નેતાનું આ નિવેદન નિંદનીય છે.તેમણે પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું છે.જે ગઠબંધનના સભ્ય હોય એનાં નેતા વિશે આવું નિવેદન કરવું એ સાખી લેવાય નહીં.ભરૂચમાં ઈન્ડિયા ગઠબંધન જાહેર કરે તે ઉમેદવાર ચૂંટણી લડશે અને અમારી માંગ છે કે ભરૂચ બેઠક પર માત્ર કોંગ્રેસનો જ ઉમેદવાર હોવો જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ તો આપ ના મનસૂબા સામે જ સવાલ ઉઠાવી દીધો હતો.તેમણે કહ્યું હતું કે, પહેલા જેમ છોટુ વસાવા મતોનું વિભાજન કરાવી ભાજપને પહોચાડતા હતા તેવું જ કામ અત્યારે આમ આદમી પાર્ટી કરી રહી છે. ગઠબંધન જાહેર કરે એ પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારને જાહેર કરી દીધો એ પણ ભાજપને ફાયદો પહોચાડવા કર્યું છે.જે પણ પક્ષ મતોનું વિભાજન કરવા પોતાના ઉમેદવારને ઉભા રાખે છે એ ભાજપ સાથે છે.
હાલમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપની લડાઈ વચ્ચે ભાજપ બેઠું બેઠું તમાશા જોઈ રહ્યું છે. બંને ગઠબંધન પક્ષોની લડાઈ આગામી દિવસોમાં કેવું સ્વરૂપ ધારણ કરશે તે જોવું રસપ્રદ બની રહેશે.