(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક રોડની બાજુમાં ઉભી રાખેલ ફોર વ્હિલર ગાડી પાસે એક શેરડી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ટ્રકમાં ભરેલ શેરડી ફોર વ્હિલર ગાડી પર પડતા ફોર વ્હિલ ગાડી દબાઈ ગઈ હતી.આ સમયે ફોર વ્હિલર ગાડીનો ચાલક તેમજ ગાડી માલિકના પરિવારજનો ફોર વ્હિલર ગાડીમાં બેઠેલા હતા.શેરડી ગાડી પર પડ્યા બાદ ગાડીના દરવાજા લોક થઈ ગયા હતા.જોકે ઘટના સ્થળે ભેગા થઈ ગયેલ માણસોએ ભારે જહેમત બાદ ગાડીમાં બેઠેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે રહેતા મુસ્તકિમઅલી મોહંમદ ખોખર તા.૧૫ મીના રોજ રાતના સાડા નવ વાગ્યાના અરસામાં પરિવારજનોને લઈને રાજપારડી હોટલમાં જમવા આવ્યા હતા.ત્યાર બાદ રાજપારડી ચોકડી નજીક બેંક એટીએમ પાસે ગાડી ઉભી રખાવીને તેઓ પૈસા ઉપાડવા ગયા હતા.આ સમય દરમ્યાન ગાડીનો ડ્રાઈવર અને પરિવારજનો ગાડીમાં બેઠેલા હતા.તે દરમ્યાન ત્યાંથી પસાર થતી શેરડીની ટ્રક પલ્ટી મારતા આ ઘટના સર્જાઈ હતી.ગાડીમાં બેઠેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળતા સદ્દભાગ્યે જાનહાની ટળી હતી.પરંતું ફોર વ્હિલર દબાઈ જતાં ગાડીને નુકશાન થયું હતું.આ ઘટના બાબતે ફોર વ્હિલર ગાડીના માલિક મુસ્તકિમઅલી ખોખર રહે.ગામ રતનપોર તા.ઝઘડિયાનાએ અકસ્માત બાદ તેની ટ્રક સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ ટ્રક ડ્રાઈવર વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાય છે.ઓવરલોડ વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.અકસ્માતની આ ઘટનાને લઈને અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી હતી.