અંકલેશ્વર,
અંકલેશ્વર હાઈવેને અડીને આવેલ અમન માર્કેટ અને આમ્રકુંજ બિલ્ડીંગના ચોથા માળે બંધ મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
નેશનલ હાઈવે નંબર ૪૮ ને અડીને આવેલ અમન માર્કેટ કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ અને લાકડાના જથ્થામાં આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી.હાઈવે ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં અવાર નવાર આગની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે.ત્યારે આજરોજ વહેલી સવારે અમન માર્કેટમાં આવેલ કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ અને લાકડાનો જથ્થો રહેલ એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આગને પગલે માર્કેટમાં નાસભાગ મચી જવા પામી હતી.કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ અને લાકડા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની ઘટનાને લઈ સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતાં ડીપીએમસી ફાયર ટેન્ડર સાથે ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા.પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયું નથી.આગની બીજી ઘટના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત આમ્રકુંજ સોસાયટીના બિલ્ડીંગમાં ચોથા માળે બંધ મકાનમાં બની હતી.અચાનક લાગેલ આગને પગલે ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. સ્થનિક રહીશોએ જ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
અંકલેશ્વર પંથકમાં બે અલગ અલગ આગના બનાવો બનતા ફાયર ફાયટરો દોડ્યા હતા
- અમન માર્કેટમાં કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટ અને લાકડાના જથ્થામાં આગ ફાટી નીકળી -આમ્રકુંજ બિલ્ડીંગના ચોથા માળે બંધ મકાનમાં પણ આગની ઘટના -બંને બનાવોમાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો