(ગુલામહુશેન ખત્રી,રાજપારડી)
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ખાતે ગેસની બોટલ માંથી પરવાના વગર ગેસ રીફલિંગ કરતા એક ઈસમને ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ પીઆઇ બી.એન.સગરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સ્ટાફે મળેલ બાતમીના આધારે સારંગપુર પદમાવતી નગર ખાતે જય ભૈરવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગેસ રીફલિંગ કરતા એક ઈસમને ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી નાનીમોટી ગેસની બોટલ નંગ ૦૬,વજન કાંટો નંગ ૦૧ તથા રીફલીંગ પાઈપ સાથે કુલ રૂપિયા ૧૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ગેસ રીફલિંગ કરતા ઝડપાયેલ સદર ઈસમ કરણભાઇ ભૈરૂલાલ ચંદેલા હાલ રહે.પ્લોટ નંબર ૧૧ પદમાવતીનગર સારંગપુર ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ અને મુળ રહે.રાજસ્થાનના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પણ ગેરકાયદેસર ગેસ રીફલિંગનો જોખમી વ્યવસાય થઈ રહ્યો હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠવા પામી છે.ત્યારે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પણ આ બાબતે સઘન તપાસ હાથ ધરાય તે જરૂરી છે.