અંકલેશ્વર,
ભરૂચ જીલ્લાની અંકલેશ્વર તાલુકા સબ જેલમાં ગુરુવારના રોજ એક કેદીનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ પીલીસ સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તાલુકા સબજેલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં આવેલી તાલુકા સબ જેલમાં બે ત્રણ દિવસ પહેલા કોસંબા રેલ્વે પોલીસે એક આરોપી નામે કિરણ કલ્લુભાઈ વસાવાને મૂકી ગયા હતા.આરોપીનું જેલમાં મોત થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં સબજેલ ખાતે અંકલેશ્વર શહેર પોલીસ, મામલતદાર સહિતના ઉચ્ચકક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા.પોલીસે સ્થળ પર પહોંચી સ્થળ તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી.આરોપીનું આજે ખેંચ આવતા મોત નીપજ્યું હોવાનું પ્રથામિક માહિતી મળી રહી છે.
આ મામલે ઈન્ચાર્જ એસપી ચીરાગ દેસાઈએ જણાવ્યું હતું કે તેને ખેંચ આવતા મોત થયું હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.પરંતુ તેના મોતનું સાચું કારણ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જ જાણવા મળી શકશે.હાલમાં તો પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં કેદીનું મોત થતા અનેક તર્કવિતર્ક સર્જાય છે.જોકે મૃતકનો પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ બહાર આવશે.
અંકલેશ્વર તાલુકા સબજેલમાં કેદીનું મોત નિપજતા તંત્ર દોડતું થયું
- પ્રાથમિક તબક્કે ખેંચ આવતા મૃત્યુ થયું હોવાનું અનુમાન - મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે