ભરૂચ,
96 ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચની વાર્ષિક સાધારણ સભા વર્ષ 2022-23 ની આજરોજ તારીખ 7 જાન્યુઆરી 2024 ના દિવસે વડોદરા ખાતે શિયાબાગ વાડીમાં લલીતભાઈ એમ પટેલ (રણછોડરાય મસાલા મીલ વાળા) ના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં અતિથિ વિશેષ તરીકે રમેશભાઈ બેચરભાઈ પટેલ તથા રમણભાઈ સી પટેલ સાધારણ સભામાં ઉપસ્થિત રહી સમાજના સદસ્યોને વિવિધ સમાજના હિતલક્ષી કાર્ય માટેનું માર્ગદર્શન આપ્યું હતું
સાધારણ સભામાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવેલ તારલાઓનું પ્રસસ્તિપત્ર અને ઈનામ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંસ્થાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા સાધારણ સભામાં સામાજિક ઉત્કર્ષ અને મહિલાઓના ઉત્કર્ષ માટે ગૃહ ઉદ્યોગ માટે પ્રોત્સાહિત કરી આત્મ નિર્ભર બનવા સૂચનો સાથે પ્રોજેક્ટ મૂકવા નિર્દેશ કરાયો હતો. સમાજમાં કેટલાક દુષણો, વ્યસનો, આધુનિક કુરિવાજ, પ્રસંગોમાં થતા બિન જરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણો મૂકીને સંસ્થાને આર્થિક યોગદાન મળે તેવા સૂચનો પણ થયા હતા. ડૉ.હસમુખભાઈ પટેલ સમાજ ના શિક્ષણ અને મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી.
વિદેશની ઘેલછા છોડીને યુવાન યુવતીઓ તેમજ વાલીજનોને સ્થાનિક સ્તરે જ આપણી સંસ્થાઓમાં યુપીએસસી, જીપીએસસીના ઉચ્ચ અભ્યાસ માટે સરદાર ધામમાં લાભ લે તેવા સૂચનો કરાયા હતા.પ્રેમ લગ્નો,લવ જેહાદનો ભોગ બનતી યુવતીઓ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા માતા – પિતાની લગ્ન મંજૂરી અંતર્ગત સહી હોય તો જ લગ્ન કરી શકે તે બાબતે સર્વાનુમતે સભાએ ઠરાવ પસાર કર્યો હતો અને તે દ્વારા સરદાર પટેલ ગ્રુપને સમર્થન આપ્યું હતું.સમગ્ર સભાનું સંચાલન માનદ મંત્રી ઠાકોરભાઈ પટેલ તેમજ પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમની આભારવિધિ મહેશભાઈ પટેલ દ્વારા કરી હતી.