(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાં છેવાડાના ગામડાના માણસને સેવાસદન સુધી ધક્કા ના ખાવા પડે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ચાર પાંચ ગામો વચ્ચે એક કાર્યક્રમ યોજવામાં આવે છે.બધા સેવા સેતુ કાર્યક્રમ તેના ટાઈમ ટેબલ મુજબ થતા પણ હોય છે,પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર વહીવટી તંત્ર સામાન્ય નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમ સુધી લાવવામાં નિષ્ફળ રહેતું હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવે છે.ઝઘડિયા સેવાસદન ખાતે ગામે ગામથી નાગરિકો પોતાના વિવિધ કામ માટે અહીં આવતા હોય છે.ત્યારે સેવાસદનમાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી,આધારકાર્ડ સાથે અન્ય સરકારી દસ્તાવેજો લીંક કરવાનું કામ હોય,સુધારા વધારાનું કામ હોય,કે રેશનકાર્ડ ને આધાર સાથે લિંક કરવાનું કામ હોય સેવાસદન ઝઘડિયામાં હંમેશા ભારે ભીડ જામેલી હોય છે.ત્યારે તંત્ર દ્વારા જાહેર કરાયેલા અને યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ કેટલા સફળ રહ્યા તે આ ભીડને જોઈને એના પરથી ફલિત થાય છે.પોતાનો રોજગાર મજૂરી નોકરી ધંધા છોડીને રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા આખા પરિવાર સાથે સેવા સદન ખાતે આવવું પડતું હોય છે.તેમાં પણ વળી સરકારી સોફ્ટવેર એટલું ગોકળગતીએ ચાલે છે કે ઓપરેટર પણ થાકી જાય અને સેવાસદનમાં આવેલા નાગરિકો પણ થાકી જાય,આ બધું ઓછું હોય તેમ હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે.ત્યારે અધિકારીઓ કર્મચારીઓ પણ તેમના ટેબલ પર દેખાતા નથી,આવા સમયે દુરદુર ગામડેથી આવેલા નાગરિકો સેવાસદનના ઓટલે જ આરામ કરી લેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે.
ઝઘડિયા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ નિષ્ફળ ગયો હોય તેમ કામ કરાવવા સેવાસદનમાં કીડિયાળુ ઉભરાયું
- સેવા સેતુમાં થયેલ કામોની વાતો જાહેર કરવામાં નેતાઓના મોં થાકતા નથી ત્યારે સેવાસદન ખાતે આટલી ભીડ કેમ જામતી હોય છે!