(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના પાણેથા ભાલોદ વિસ્તાર માંથી આડેધડ ઓવરલોડ રેતી વહન તથા રાજપારડી વિસ્તારમાંથી સિલિકા તેમજ અન્ય ખનીજોનું વહન બે રોકટોક થાય છે અને જેના કારણે મોટાભાગે અકસ્મતો ઝઘડિયા પંથકમાં સર્જાઈ રહ્યા છે.છેલ્લા એક માસમાં અસંખ્ય અકસ્માતો ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાં ધોળી માર્ગ પર સર્જાયા છે.જેનું મુખ્ય કારણ ઓવરલોડ ખનીજ વહન અને ખરાબ રસ્તા છે.આજરોજ મુલદ ચોકડી થી નાના સાંજા ફાટક સુધીના બંધ પડેલા રોડના કામના કારણે એક અકસ્માત સર્જાયો છે.એક હાઈવા ચાલક મુલદ ચોકડી તરફથી ફૂલ ઝડપે બેફીકરાઈથી પોતાનું હાયવા ચલાવી લાવી ગોવાલી બસ સ્ટેન્ડ નજીકની જલાદર્શન સોસાયટી પાસેથી પસાર થતા કપલસાડી ગામના બાઈક ચાલક ઈબ્રાહિમભાઈ સરદાર ઉ.વ ૫૫ ને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.જેના પગલે બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.સ્થાનિક ગ્રામજનોએ ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બંધ પડેલા રોડના કામ બાબતે ઈજારાદારને વાત કરતા તેણે ઉદ્ધતાઈ થી વાત કરી જણાવ્યું હતું કે તમારે જે વાત કરવી હોય તે ડિપાર્ટમેન્ટ માં વાત કરો,વર્તમાન સરકારમાં અધિકારીઓ તો ઠીક ઈજારદારો પણ તાનાશાહી પર ઉતરી આવ્યા છે !