(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાં સ્ટાફ સુવિધાના અભાવે લોકોને ભારે હાલાકિ ભોગવવી પડતી હોવાનું જાણવા મળ્યું છે.બેન્કમાં જરૂરી સ્ટાફના અભાવે બેન્કના ગ્રાહકોએ કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડતું હોવાની વાતો સામે આવી છે. સામાન્ય રીતે બેન્કોમાં લોકો પૈસાની લેવડ દેવડ કરવા માટે આવતા હોય છે.બેન્કમાં આવતા બેન્કના ગ્રાહકો પૈકી કેટલાક પૈસા જમા મુકવા માટે જ્યારે કેટલાક લોકો પૈસા ઉપાડવા આવતા હોય છે.આવા સંજોગોમાં નાણાંની લેવડદેવડ માટે બેન્કોમાં બે અલગઅલગ કેસ કાઉન્ટરો હોવા જોઈએ,જ્યારે રાજપારડી ખાતેની બેન્ક ઓફ બરોડામાં હાલ નાણાંની લેવડદેવડ માટે એક જ કાઉન્ટર કાર્યરત હોઈ બેન્કમાં આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાય છે. આને લઇને ગ્રાહકોએ લાઇનોમાં ઉભા રહીને પોતાનો વારો આવવાની પ્રતિક્ષા કરવી પડે છે,આવા ગ્રાહકોમાં મોટી ઉંમરના ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે. રાજપારડી ગામે આવેલ બેન્ક ઓફ બરોડાની શાખા રાજપારડી ગામની વર્ષો જુની બેન્ક હોઈ રાજપારડી નગર ઉપરાંત આજુબાજુના ગામોના મળીને બેન્ક મોટી સંખ્યામાં ગ્રાહકો ધરાવે છે.ત્યારે રાજપારડી ગામે વર્ષોથી કાર્યરત બેન્ક ઓફ બરોડાની શાખામાં જરૂરી સ્ટાફની કમી પુરી કરીને ગ્રાહકોને પડતી મુશ્કેલીનું નિવારણ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.આજે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ડિજિટલ અને ઇન્ટરનેટની સુવિધા ધરાવતા સમયમાં બેન્કિંગ સેવા જેવી મહત્વની સુવિધામાં લોકોને હાલાકી ભોગવવી પડે તે કેટલા અંશે યોગ્ય ગણાય? તેથી બેન્કના ઉચ્ચ સત્તાધીશો તાકીદે રાજપારડી ગામે બેન્ક ગ્રાહકોને પડતી હાલાકિ નિવારવા આગળ આવે તે ઈચ્છનીય છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડીની બેન્કમાં સ્ટાફ સુવિધાના અભાવે ગ્રાહકોને હાલાકી
- જરુરી સ્ટાફની કમીથી ગ્રાહકોએ લાઈનોમાં ઉભા રહી પોતાનો વારો આવવાની પ્રતિક્ષા કરવો પડે છે