(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ હસ્તક આજરોજ છોટાઉદેપુર શહેરના ખુંટાલિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ૨૫૦૦ ચો.મી. ક્ષેત્રફળમાં ડો. બાબાસાહેબ આંબેડકર ભવન બાંધવામાં આવશે. ભાનુબેન બાબરિયા, મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા આને બાળ વિકાસ વિભાગ, ના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકરના યોગદાનને ધ્યાને રાખીને તેમના સ્મૃતિચિહ્ન રૂપે આ ભવનો બનાવવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આંબેડકર ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલું જેમાં ઓડીટોરીયમ, મ્યુઝીયમ, લાઈબ્રેરી જેવી વિવિધ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
આ અદ્યતન ભવન બે ફ્લોરનું બનશે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફીસ, ઇલેક્ટ્રિક રૂમ, લાઈબ્રેરી, મ્યુઝીયમ, વોશ એરિયા તેમજ ફર્સ્ટ ફ્લોર પર હોલ, ગ્રીનરૂમ, બેક સ્ટેજ એરિયા વગેરે આધુનિક સુવિધાઓ રહેશે. આ ભવનનો સંસ્કૃતિક, સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે અનુસુચિત જાતિના લોકો ઉપરાંત અન્ય જાતિના લોકો પણ ઉપયોગ કરી શકશે. આમ, આ ભવન જિલ્લાની સામાજિક સમરસતાનું પ્રતિક બનશે.
છોટાઉદેપુર જિલ્લામાં જર્જરીત થયેલ 79 આંગણવાડી કેન્દ્રો મનરેગા યોજના અને આઈ સી ડી એસ વિભાગ સાથે કન્વર્ઝન કરી નવિન આંગણવાડી કેન્દ્ર લગભગ 9કરોડથી વધુ ખર્ચ બનશે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 57 કવાંટ તાલુકામાં 4 જેતપુર પાવી તાલુકામાં 9 અને બોડેલી તાલુકામાં 9 એમ કુલ 79 નવિન આંગણવાડી કેન્દ્રો નું બાંધકામ કરવામાં આવશે. નવિન આંગણવાડી દ્વારા કિશોરીઓ, ધાત્રીમાતા, બાળકોને પોષણ યુકત આહાર મળશે.
આ પ્રસંગે સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને મહિલા અને બાળ કલ્યાણના મંત્રી ભાનુબહેન બાબરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલ,છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા,ધારાસભ્ય અભેસિંહ તડવી,કલેકટર સ્તુતી ચારણ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રચિત રાજ, પોલિસ અધિકક્ષક આઇ.જી શેખ,પ્રાયોજના અધિકારી સચિન કુમાર પદાધિકારીઓ અને અધિકારીઓ તથા જાહેરજનતા ઉપસ્થિત રહી હતી.