ભરૂચ,
વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી હેઠળ ભરૂચ જીલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા અને સૂચનો જાણવા આજથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદનું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું.
ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ ની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં સાંસદ મનસુખ વસાવા,જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ પત્ર ૨૦૨૪ અંગે પ્રદિપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ૨૬ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો. જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે.
ભાજપ મોદી સરકાર ૨૦૨૪ ના તેઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણા પત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ૫ વર્ષમાં તેને પુરા કરવા કાર્યરત રહેશે.
ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આરંભ કરાવ્યો હતો.જેમાં ૧૫ લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરવતા પ્રદીપસિંહ જાડેજાએ LED રથ, સૂચનો મોકલવા 9090902024 નંબર, જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી હતી.
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પણ અભિયાન હેઠળ એકત્ર કરાયેલા જનજનના સૂચનો પર મોદી સરકાર કામ કરી આશા અપેક્ષા પરિપૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું.
પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી,જીલ્લા પ્રમુખ સાથે ૭ મી ટર્મમાં ભાજપના ઉમેદવાર એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેઓના સૂચનો લખી સૂચના પેટીમાં નાખી અભિયાનનો આરંભ કરાવ્યો હતો.તેઓના સુચનોમાં જિલ્લાના જનજનના મહત્વના પ્રશ્નો, કામો સાથે રાજ્ય અને દેશના કામોનો પણ સમાવેશ થાય છે.