ભરૂચ,
રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રીના સીધા માર્ગદશન હેઠળ સરકાર દ્વારા વહીવટતંત્રની કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્વિત કરવાના હેતુસર રાજ્યભરમાં આજે તા.૦૬/૦૭/૨૦૨૪ ના રોજ તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા પોતાના જિલ્લામાં આવેલ કોઈપણ એક તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત યોજવાનું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ઝઘડિયા તાલુકાના ઝઘડીયા ગામની મુલાકાત લીધી હતી અને સરકારના પેરામિટર્સ પ્રમાણે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતળ જમીની હકિકતમાં કાર્યાન્વિત થઈ છે કે કેમ અને થઈ છે તો કેવા પ્રકારની છે. તેની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું અને સાંજે વિડીયો કોન્ફરન્સના ઓનલાઇન માધ્યમ થકી જોડાયા હતા.
તેવી જ રીતે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામની રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી સુવિધા અને યોજનાકીય લાભો અંગે ગ્રામજનોની પૃચ્છા કરી ફીડબેક મેળવ્યા હતા.
જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી ઝઘડિયા,જિલ્લા શિક્ષણાધિકારી, ઝઘડીયા મામલતદાર, ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ખેતવાડી અઘિકારી, જિલ્લા માહિતી અધિકારી અને ગ્રામ્ય અને તાલુકા લેવલના સ્થાનિક અધિકારીઓ આ એક દિવસીય મુલાકાતમાં જોડાયા હતાં.
આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટરે પ્રારંભમાં મિશ્ર શાળા ઝઘડીયાની મુલાકાત લીધી હતી અને બાળકોને મળતી સુવિધા અને ક્લાસરૂમ તથા પાણી,લાઈટ, ટોયલેટ, મધ્યાહન ભોજન અંગે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનામાં વઘારેલી ખિચડીનો સ્વાદ માણ્યો હતો અને ગુણવત્તા ચકાચી હતી.ત્યાર બાદ આંગણવાડીની મુલાકાત લીધી હતી અને બાળકોનું વજન, ઉંચાઈ તેમજ પોષણ અને સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આંગણવાડીમાં સગર્ભા ધાત્રી માતાઓને આપવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવી હતી અને મહિલાઓની પૃચ્છા કરી હતી કે તમને આંગણવાડીમાં મળતી સુવિધાથી સંતોષ છે.
જિલ્લા કલેક્ટરે આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો અને મહિલાઓને આરોગ્ય વિષયક સુવિધાનો લાભ મળે છે કે, કેમ અને સરકારી યોજના મહિલાઓને દવાખાનામાં ડીલીવરી – સારવાર અને સહાય આયુષ્યમાન કાર્ડ તથા દવાઓ અને ડૉક્ટરોની હાજરી અંગે પૃચ્છા કરી હતી.
ગ્રામ પંચાયત ખાતે લોકોને આપવામાં આવતી સુવિધા તથા જીસ્વાન કનેક્ટીવીટી અને ગામના તલાટી પાસે ગામની પ્રાથમિક માહિતી મેળવી હતી કયા લોકો વધુ રહે છે અને તેઓને મળતી સુવિધા અંગે સ્થાનિક અધિકારી પાસેથી સમગ્ર ગામની માહિતી મેળવી હતી. ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરનું સરપંચ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કલેકટર તુષાર સુમેરા જે માર્ગે ઝઘડીયા પહોંચ્યા તે માર્ગ કેવા છે તેનો અનુભવ કર્યો હશે.અંક્લેશ્વર થી નેત્રંગ માર્ગ હોય કે પછી મુલદ થી રાજપારડી સુધીનો માર્ગ જે વરસાદના પગલે બિસ્માર બન્યો છે તે જ માર્ગ પરથી પણ કલેકટર,જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જે તે સ્થળે મુલાકાતે પહોંચ્યા હશે તો ભરૂચ જીલ્લાનાં તમામ બિસ્માર માર્ગોની પણ આકસ્મિક મુલાકાત લઈ માર્ગ અને મકાનના અધિકારીઓ,જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓ,તાલુકા અને ગ્રામ પંચાયતના અધિકારીઓ સહિત જેતે વિભાગના અધિકારીઓ ઉપર તવાઈ બોલાવી બિસ્માર માર્ગોને તાત્કાલિક અસરથી સમારકામ કરવા આદેશ આપવા જરૂરી બન્યા છે.જેથી અકસ્માતો નિવારી શકાય અને નિર્દોષ લોકો જીવ ગુમાવી ન શકે.