ભરૂચ,
આગામી લોકસભાની ચૂંટણી -૨૦૨૪ને અનુલક્ષીને લોકશાહી પાવનપર્વમાં જિલ્લાના મતદારો મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવવા જાગૃત બને તે માટે આજરોજ કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ ઇવીએમ નિદર્શન વાનને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના મતદારો રાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર મતદાન કરી તે માટે નિદર્શન વાનમાં ઈવીએમ ડેમોસ્ટ્રેશન થકી મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે.વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે,નિદર્શન વાન સમગ્ર જિલ્લામાં ઈવીએમ મશીનમાં મતદાન અને નિદર્શન કરીને મતદાન માટે લોકજાગૃતિનું કાર્ય કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે,LED મોબાઈલ વાનની LED સ્ક્રીન પર ઈવીએમ-વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વીડીયો પ્લે કરવામાં આવશે અને ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ ઈવીએમ (સીયુ+બીયુ+વીવીપેટ) માં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનથી માહિતગાર થશે.વધુમાં, વાન સાથે ઈવીએમ ફોટો સ્ટેન્ડ રહેશે જેની સાથે મતદારો ફોટો/સેલ્ફી પડાવી શકશે.
આ પ્રસંગે, જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી અમિત પરમાર, મામલતદાર ચૂંટણી શાખાના રમીલાબેન,મામલતદાર ભરૂચ ગ્રામ્ય માધવી મિસ્ત્રી,મામલતદાર ભરૂચ શહેર વિરાણી તથા જિલ્લા ચૂંટણી શાખાના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.