ભરૂચ,
ભરૂચ નગર પાલિકા ખાતે બજેટ લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગામી વર્ષ માટેનું કોઈપણ નવા વેરા વધારા સિવાયનું રૂ.૨૮.૧૦ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જોકે બજેટમાં જૂના વિકાસ કાર્યોના સમાવેશ સહિતના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ હતી.
ભરૂચ નગર પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં આગામી નાણાકીય વર્ષ માટેની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સામાન્ય સભામાં સને ૨૦૨૪-૨૫ નું બજેટ મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું.સાથે સાથે સને ૨૦૨૩-૨૪ના બજેટનું રિએપ્રોપ્રીએશનને પણ સભામાં મંજૂરી માટે મુકવામાં આવ્યું હતું.જે બાદ ૧૯૧.૮૮ કરોડના બજેટ અને ૨૮.૧૦ કરોડનું પુરાંત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતમાં મળેલ સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ કેટલાક મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી.પાલિકાના સભાં ખંડના મળેલ સામાન્ય સભામાં રંગ ઉપવન,માતરિયા તળાવના બ્યુટીફિક્શન સહિત ફ્લાય ઓવર બ્રિજ સહિતના કેટલાક મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક પણ સર્જાઈ હતી.વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે વેરા વધારાનો ભૂતકાળમાં વિપક્ષે વિરોધ કર્યો હતો.જેના પગલે કોઈ વધારો કરાયો નથી તેને આવકારવા સાથે દર વર્ષે રંગ ઉપવન,ફાટાતળાવ ખાતે શોપિંગ સેન્ટર,માતરિયા તળાવનું બ્યુટીફિકેશન જેવા મુદ્દાને સમાવવામાં આવે છે પણ કોઈ કામગીરી થતી નથી તે અંગે શાસક પક્ષનું ધ્યાન પણ દોર્યું હોવાનું કહ્યું હતું.
ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે બજેટ ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે હોવાનું જણાવ્યું હતું.
પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ આગામી દિવસોમાં ભરૂચના રોડ રસ્તા સહિત રંગ ઉપવન અને ભૂગર્ભ ગટર ની કામગીરીથી લોક સુખાકારી વધશે તેમ કહી બજેટમાં કોઈ વેરાનો વધારો કરાયો નથી તેમ કહ્યું હતું.
સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટા ભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.