ભરૂચ,
ભરૂચની SOG પોલીસે છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન જીલ્લામાં GIDC વિસ્તારમાં પોલીસ નોંધણી વગર મકાનો ભાડે આપનાર તેમજ દુકાનમાં સીસીટીવી નહીં લગાવી જાહેરનામાં ભંગ કરનારા ,વ્યક્તિઓ સામે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જીલ્લા એસપી મયુર ચાવડાએ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ બહાર પાડેલા વિવિધ જાહેરનામાના પાલન કરાવવા માટે આદેશ આપ્યા હતા.ગુનેગાર તત્વો શહેરોમાં ભાડેથી મકાનો તેમજ દુકાનો રાખી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે.આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબુદ કરવા SOG પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.આ કાર્યવાહીમાં SOG પીઆઈ એ.એ.ચૌધરી અને સ્ટાફ દ્વારા જીલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારમાં CCTV નહી લગાડનાર તેમજ મકાનો તેમજ દુકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહી કરનાર વિરૂધ્ધ કલમ ૧૮૮ મુજબ જાહેરનામા ભંગના ૫૧ ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. SOG પોલીસની કાર્યવાહીથી પોલીસમાં નોંધણી નહિ કરાવનારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.