ભરૂચ,
ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ દર્દીઓના મોતને લઈને અનેક વાર વિવાદમાં આવ્યું છે ગત મોડી રાત્રીએ પણ એક સગર્ભા મહિલાનું ક્રિએટન ઈન્જેક્શન સગર્ભા મહિલાને આપ્યા બાદ તેને પેટમાં બળતરા થતાં જ તેનું હૃદય અચાનક બંધ થઈ ગયું હોય અને તેનું મોત થયું હોય તેવી ચોકાવનારી માહિતી સામે આવતા હોસ્પિટલના તબીબોની લાપરવાહીના કારણે મોત થયું હોવાનો મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કરી ભારે હોબાળો મચાવતા મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું.
ભરૂચમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા એક પરિવારમાં ત્રણ સંતાનની માતા રીનાબેનને ચોથો ગર્ભ હતો.પરંતુ તેણીને પેટમાં દુઃખાવો અને ઉલ્ટીઓ થતા તેણીની નણંદ તેણીને સારવાર માટે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લાવી હતી અને સગર્ભા મહિલાના પેટમાં બે મહિનાનો ગર્ભ હોય જેના કારણે તેણીને ક્રિએટન કરાવવાનું હોય તે અંગે તેણીને સેવાશ્રમ હોસ્પિટલમાં બપોરના સમયે દાખલ કરવામાં આવી હતી અને જરૂરી તમામ રિપોર્ટો કરવામાં આવ્યા હતા અને તે દરમ્યાન સગર્ભા મહિલાને કોઈ ઈન્જેક્શન આપવામાં આવ્યું હોય અને ત્યાર બાદ તેણે પેટમાં બળતરા થતી હોય અને ત્યાર બાદ સગર્ભા મહિલાની હૃદય બંધ થઈ ગયું હોવાનું તબીબોએ જણાવતા તેનું મોત થતાં આખરે સગર્ભા મહિલાના પરિવારજનોમાં ગમગીની સાથે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તપાસ દરમ્યાન પોલીસે પણ મૃત્યુનો કબ્જો લઈ પીએમ તથા પેનલ પીએમ કરાવી આખરે મોતનું કારણ શોધી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આશ્વાસન મૃતકના પરિવારજનોને આપતા મામલો થાળે પડ્યો હતો.
અત્રે ઉલ્લેખની એ બાબત એ પણ છે કે સેવાશ્રમ હોસ્પિટલ અનેક વખત દર્દીઓના શંકાસ્પદ મોત બાબતે વિવાદમાં રહ્યું છે.ત્યારે વધુ એક સગર્ભા અને તે પણ ત્રણ સંતાનની માતાનું મોત થતા મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.