ભરૂચ,
ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ અતિથિ રિસોર્ટની બાજુના કમ્પાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન હતું.જેમાં અમદાવાદથી આવેલા જ્વેલર્સના વેપારી પોતાની કારને પાર્કિંગમાં પાર્ક કરીને ગયા હતા અને પરત આવતા ગાડીના ડ્રાઈવર સાઈડનો કાચ તૂટેલો હોય અંદર સોનાના દાગીનાનું બેગ ગુમ લાગતા તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી તપાસનો દૌર લંબાવ્યો હતો.
ભરૂચ નબીપુર પોલીસ મથકે રીંકેશભાઈ રમેશભાઈ સોની અમદાવાદના નવા પ્રભુ નગર સોસાયટીમાં રહેતા હોય અને જ્વેલર્સના વેપારી હોય તેવો અમદાવાદથી ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ અતિથિ રિસોર્ટની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા.તે દરમ્યાન તેઓએ પોતાની ફોરવિલ ગાડી પાર્કિંગમાં મૂકીને ગયા હતા અને પરત અમદાવાદ જવા માટે પોતાની ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડનો કાચ તૂટેલો જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા અને ગાડીમાં સોનાના દાગીના ભરેલું બેગ ગુમ જણાતા અંદાજે પોણા સાત લાખ ઉપરાંતના દાગીનાની ચોરી થતા લગ્નમાં આવેલા પરિવાર ખુશીના બદલે ચિંતામાં મુકાઈ ગયો હતો અને તાબડતોબ નબીપુર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તથા એલસીબી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ ગાડીમાં પત્નીનું પર્સ જેમાં સોનાની બુટ્ટી સહિતનો સેટ આશરે પાંચ તોલા સોનાના પાટલા સહિત રોકડા રૂપિયા મળી ૬,૭૮,૦૦૦ ની ચોરી કોઈ ગઠિયો કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.