ભરૂચ,
ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ થનાર છે તેમજ આજથી બે દિવસીય રવી કૃષિ મહોત્સવ-૨૩ સાથે સેવાસેતુનો પણ પ્રારંભ થનાર છે, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને રવી કૃષિ મહોત્સવ-૨૩ અન્વયે જિલ્લાના વિવિધ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
કલેક્ટર તુષાર સુમેરાએ મિટિંગમાં તાલુકાવાર વિવિધ આયોજનો અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને ગ્રામ્ય સ્તરે નિયામાનુસાર તમામ લાયક લાભાર્થીઓને યોજનાના લાભ વિતરણનો લક્ષ્ય સિદ્ધ કરવા માટે સઘન પ્રયત્નો કરવા સૂચના આપી હતી અને રથ આગમન અને કાર્યક્રમ વખતે વિવિધ વિભાગોના સ્ટોલ અને લાભ વિતરણ વ્યવસ્થા અંગેની સુયોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી.તે ઉપરાંતઆજથી રવી કૃષિ મહોત્સવ-૨૩ સાથે સેવાસેતુ કાર્યક્રમ પણ ભરૂચના તમામ તાલુકાઓમાં શરૂઆત થઈ રહી છે.તેની તમામ વિગતો અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવિણ માડાંણીએ વિગતો આપી હતી.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ થયેલા આયોજન સંદર્ભે સમીક્ષા કરી વ્યવસ્થા જળવાઈ તે માટે તાકીદ કરી હતી.તેમજ કૃષિ તાલુકા અને જિલ્લા સ્તરે સ્થાનિક પદાધિકારીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોને રથ સ્વાગત તેમજ કૃષિ મહોત્સવમાં આમંત્રિત કરવા તથા સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવા અને લોકભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ભરૂચ જિલ્લાના ધારાસભ્ય સર્વે રમેશ મિસ્ત્રી,ડી.કે.સ્વામી,રીતેશ વસાવા,અરૂણસિંહ રણા,જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ,જિલ્લા વિકાસ અધિકારી પી.આરજોષી,જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા,અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ સહિત સંબંધિત વિભાગના જિલ્લાકક્ષાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.