ભરૂચ,
પત્ની અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી ભરૂચમાં ૫૩ વર્ષીય રીક્ષા ચાલક પતિએ વિડીયો બનાવી આઠ માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવદર્શન રેસિડેન્સીમાં પિતાએ લઈ આપેલા ફ્લેટમાં ૫૩ વર્ષીય અશ્વિનભાઈ અંબાલાલ ચૌહાણ પત્ની આશાબેન અને બે દીકરીઓ સાથે રહેતા હતા.રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈના ૨૫ વર્ષના લગ્ન જીવનમાં છેલ્લા ૩ વર્ષથી વિખવાદ ઉભો થયો હતો.પત્નીએ ચકલામાં ભાડે રહેતા માં-બાપ હીરાલાલ અને અરુણાબેન સોદાગરને રહેવા તેઓનું મકાન આપેની જીદ પકડી હતી.છેલ્લા ૩ વર્ષથી પત્ની ઘરનો સામાન લઈ દીકરીને લઈ અમદાવાદ જતી રહી હતી.એકલવાયું જીવન જીવતા અશ્વિનભાઈને પિતાના ઘરને લઈ પત્ની, સાસુ,સસરાએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.આખરે આજે બુધવારે સવારે ૬ કલાકે અશ્વિનભાઈએ આખરી વિડીયો બનાવી પોતાના ફ્લેટના આઠ માં માળેથી ભુસકો મારી મોતને વ્હાલું કરી દીધું હતું.પોતાના અંતિમ વીડિયોમાં તેઓના મોત પાછળ પત્ની અને સાસુ-સસરા જવાબદાર હોય,એ લોકોને સજા કરવા અને પોતાને માફ કરવા સાથે ભગવાન બધાને સુખી રાખેની વિનંતી કરી હતી.
સાથે મૃતકના પિતાના મકાનમાં તેઓના ભાઈ વિજય ચૌહાણ અને બહેન નૈનાબેનનો હક્ક હોય કાગળિયા કબાટમાં મૂકીને જઈ રહ્યા હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું હતું.પોતાના ભાઈ-બહેન માટે તેઓ કઈ કરી શક્યા નહી હોવાનું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.પોતાની દીકરીઓને પણ પત્ની અને સાસુ-સસરાએ તેમની વિરુદ્ધમાં કરી દીધી હોય તેઓનું બધું છીનવી લઈ એકલો જીવવા મૂકી દીધો હોવાની મનોવ્યથા વ્યક્ત કરી હતી.મૃતકના ભાઈ વિજય ચૌહાણે અશ્વિનભાઈના મૃત્યુ પાછળ પત્ની અને સાસુ સસરા જવાબદાર હોય એ ડિવિઝન પોલીસ મથકે તેઓ સામે ફરિયાદ નોંધાવી છે.