ભરૂચ,
ભરૂચ નગર પાલિકાના હદ વિસ્તારમાં અનેક જોખમી ઈમારતો આવેલ છે.જે ઈમારતના માલિકોને પાલિકા તંત્ર દ્વારા ઉતારી લેવા અવાર નવાર નોટિસો આપવામાં આવે છે.પરંતુ ઉદાસીન તંત્ર અને ઈમારતોના માલિકો દ્વારા ઈમારતો ઉતારી લેવા કે સમારકામની કામગીરી નહીં કરવામાં આવતા સ્લેબ ધરાશાયની દુર્ઘટના સામે આવી રહી છે.ત્યારે આજરોજ ભરૂચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.ઘટનાને પગલે નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ થતાં ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોપિંગ સેન્ટરને કોડન કરી દુકાનો બંધ કરાવી શોપિંગ સેન્ટરના માલિકને નોટિસ પાઠવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટરનો જોખમી ભાગ અગાઉ ત્રણથી ચાર વાર ધરાશાય થયો હતો.તેમ છતાં કોન્ટ્રાકટર કે માલિક દ્વારા તેને ઉતારવાની તસ્દી લેવા આવતી નથી.ત્યારે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠી છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.આ શોપિંગ સેન્ટરમાં વ્યવસાય કરતા દુકાનદારો અને દુકાનમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોના જાનમાલને નુકશાન થશે તો તેના જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે.તો બીજી તરફ પાલિકા તંત્ર પણ માત્ર નોટિસ આપી કામગીરી કરી હોવાનો સંતોષ માણી રહ્યા છે.પરંતુ જો કડક કાર્યવાહી હાથધરવામાં આવે તો આવનાર દિવસોમાં જર્જરિત ઈમારત ધરાશાય થાયતો કોઈ નિર્દોષ જીવ ગુમાવી ન શકે.