(જયશલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાલિયાથી તલોદરા જવાના રોડ પર ધારોલી ચોકડી નજીક એક ફોર વ્હિલર ગાડી અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ વાલિયા તાલુકાના ચોર આંબલા ગામે રહેતો પરેશ રમણભાઈ વસાવા નામનો યુવાન ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરે છે. પરેશ તા.૬ ના રોજ સાંજના સવા પાંચ વાગ્યાના અરસામાં તેની મોટર સાયકલ લઈને નોકરીએ જવા નીકળ્યો હતો.ત્યાર બાદ તે વાલિયાથી તલોદરા વચ્ચેના રોડ પરથી પસાર થતો હતો ત્યારે ધારોલી ચોકડી પાસે એક ફોર વ્હિલર ગાડીના ચાલકે પરેશની મોટર સાયકલ સાથે ફોર વ્હિલર ગાડી અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં પરેશ બાઇક સાથે નીચે ફંગોળાઈ ગયો હતો.અકસ્માત બાદ ફોર વ્હિલર ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો.જોકે ઈજાગ્રસ્ત પરેશ અકસ્માત બાદ નાશી ગયેલ ફોર વ્હિલર ગાડીનો નંબર જાણી શક્યો હતો.ઈજાગ્રસ્ત પરેશને વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાંસોટ ખાતે લઈ જવાયો હતો.જ્યાં હોસ્પિટલના તબીબોએ તપાસ કરીને પરેશને જમણા પગના પંજાના ભાગે ફેકચર હોવાનું તેમજ કમર પર ડાબા ભાગે સામાન્ય ઈજા હોવાનું જણાવ્યું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત પરેશ વસાવાએ અકસ્માત કરી નાશી ગયેલ ફોર વ્હિલર ગાડીના ચાલક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.અકસ્માતની આ ઘટનાને લઈને ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહેવા પામી હતી.