(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના ચાર રસ્તા નજીક એક મોટર સાયકલ રોડની સાઈડમાં ઉભેલ હાઈવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું.જચારે બાઈક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાજપારડીના બકાનગરમાં રહેતા ઉદેસીંગ છત્રસીંગ રાજ ઉ.વ.૫૮ ગતરોજ તેમની પત્ની મેહમુદાબેન સાથે મોટર સાયકલ પર ભરૂચ તરફથી રાજપારડી પરત આવી રહ્યા હતા.ત્યારે સાંજના પોણા છ વાગ્યાના અરસામાં રાજપારડી ચાર રસ્તા નજીક આવતા રોડની સાઈડમાં ઉભી રહેલ એક હાઇવા ટ્રકના પાછળના ભાગે મોટર સાયકલ અથડાતા મોટર સાયકલ ચાલક ઉદેસીંગ રાજ અને તેમની પાછળ બેઠેલ તેમના પત્ની મેહમુદાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.આ અકસ્માતમાં બાઈક ચાલક ઉદેસીંગ રાજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે ઈજાગ્રસ્ત મેહમુદાબેનને બન્ને હાથે ફેકચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઈજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા.ત્યાર બાદ મેહમુદાબેનનું પણ મોત થયું હતું.આ અકસ્માતમાં રાજપારડીના દંપતિનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો.ઉલ્લેખનીય છે કે આ સ્થળ નજીક પાછલા પંદર દિવસો દરમ્યાન ત્રણ જેટલા અકસ્માતો થયા હતા.થોડા દિવસ અગાઉ એક ફોર વ્હિલ ગાડી પર અન્ય ફોર વ્હિલ ગાડી ચઢી જતા સર્જાયેલ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.ત્યાર બાદ ઝઘડિયા તરફથી આવેલ એક ટ્રાવેલર્સ ગાડી એક ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી.આ બન્ને અકસ્માતો બાદ ગતરોજ રાજપારડીના મોટર સાયકલ સવાર દંપતિને થયેલ અકસ્માતમાં પતિ-પત્ની બન્નેના મોત થતાં આ અકસ્માત જીવલેણ સાબિત થયો હતો.આ સ્થળ નજીક અવારનવાર કેટલીક ટ્રકો રોડ નજીક આડેધડ પાર્ક કરી દેવાતી હોઈ રસ્તા પર આવતા વાહન ચાલકો માટે હાલાકિનું કારણ બને છે.કેટલાક વાહન ચાલકો ઉભી રહેલ ટ્રકમાં ઘુસી જાય તેવી વધતી જતી સંભાવનાઓને લઈને રોડ નજીક આડેધડ ઉભા રખાતા વાહનો પ્રત્યે તંત્ર લાલ આંખ કરે તે જરુરી બન્યું છે.
- સરદાર પ્રતિમા ધોરીમાર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર પાણેથા,ઉમલ્લા,ભાલોદ,તરસાલી,રાજપારડી,કવોરી વિસ્તાર માંથી અસંખ્ય ઓવરલોડ ખનીજ વહન કરતી ટ્રકો પસાર થાય છે.જેના કારણે અવારનવાર અકસ્માત બનતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.છેલ્લા દસ દિવસમાં સારસા રાજપારડી નાનાસાજાં ફાટક મુલદ ચોકડી સહિત પાંચ સ્થળોએ ઓવરલોડ વાહનો દ્વારા રાહદારીઓને અડફેટે લેવાની ઘટના બની છે.જેથી આવા બેફામ ચાલતા વાહનોને સ્થાનિક પોલીસ તથા આરટીઓ વિભાગ દ્વારા નિતી નિયમ મુજબ નિયમન કરે તે જરૂરી બન્યું છે.