ભરૂચ,
ભરૂચ જીલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કરી દેશને બરબાદ કર્યો હોવાના પ્લે કાર્ડ અને સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન યોજયું હતું.
ઝારખંડના રાજ્યસભાના કોંગી સાંસદ ધીરજ સાહુ પાસેથી ED ના દરોડામાં 290 કરોડ ઉપરાંતનું બે નબરનું કાળું નાણું મળી આવતા ભરૂચ જિલ્લા ભાજપે કોંગ્રેસના કૌભાંડ અને ભ્રષ્ટાચાર સામે શનિવારે સાંજે પાંચબત્તી ખાતે દેખાવો કર્યા હતા.પ્લે કાર્ડ, બેનર અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા ભાજપના આગેવાનો,પદાધિકારીઓ,કાર્યકરોએ કોંગ્રેસનો હુરિયો બોલાવ્યો હતો.
ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કોંગ્રેસ પાસે બે નંબરનું કાળું નાણું હોવાથી ED નો વિરોધ કરવાની તેમની નીતિ-રીતિ રહી હોવાનું નિવેદન આપ્યું હતું. સાથે જ પ્રધાનમંત્રીની ગેરંટી છે કે, દેશમાં કોંગ્રેસના મળતીયા પાસે કાળું નાણું હશે તો તેઓ શોધી કાઢશે. જેનાથી ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ લવાશે.
જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભ્રષ્ટાચારનું બીજું નામ એટલે કોંગ્રેસને ગણાવ્યું હતું. નાના કાર્યકરો કે કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ તમામ ભ્રષ્ટાચારમાં ખદબદતા હોવાનો પણ આક્ષેપ તેમને કર્યો છે.સાંસદ સાહું પાસેથી ઝડપાયેલ અધધ બે નંબરી નાણાં, કોંગીઓના કૌભાંડને સખત શબ્દોમાં ભાજપે વખોડી કાઢ્યું હતું.