(જયશીલ પટેલ,ઝઘડિયા)
નર્મદા જિલ્લા અને ભરૂચ જીલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગરની કસ્ટોડિયન કમિટીમાં બેંક પ્રતિનિધિ તરીકે સરકાર દ્વારા નર્મદા જિલ્લાના કાંદરોજ ગામના ખેડૂત અગ્રણી અને સહકારી આગેવાન સુનિલ પટેલની નિમણૂક કરતા બંને જિલ્લાના ખેડૂતોમાં તથા સરકારી ક્ષેત્રમાં ખાસ કરી ભાજપમાં આનંદની લાગણી ફેલાય છે.સુનિલ રમેશભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ બંને ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો છે.ધારીખેડાની નર્મદા સુગરમાં ઘનશ્યામ પટેલ અને સુનિલ પટેલ બંને સામસામે પેનલો બનાવીને સુગરની ચૂંટણીમાં ઝંપલાવે છે.ત્યારે ભાજપના જ બંને આગેવાનો ૨૫ હજાર જેટલા સભાસદો ધરાવતી સુગરમાં આમને સામને હોય એમને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નર્મદા સુગરની છેલ્લી ચૂંટણી વિવાદિત બની હતી જેમા મતદાન થયુ હતુ.પરંતુ મત ગણતરી વર્ષો બાદપણ થઈ નથી અને હાલ સમગ્ર મામલો સબ જયુડિશિયલ હેઠળ છે.ત્યારે જેતે સમયે સરકારે નર્મદા સુગરમાં વહીવટ માટે પાંચ સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી.જેમાં ઘનશ્યામભાઈ પટેલ તથા તેમની પેનલના આગેવાનોનો સમાવેશ કરાયો હતો.ત્યારે હાલમાં જ કાંદરોજ ગામના અને સહકારી આગેવાન,ગુજકોમાસોલના ડિરેકટર, ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ બેન્કના ડિરેક્ટર સુનિલભાઈ રમેશભાઈ પટેલ ને ખાંડ નિયામક દ્વારા નર્મદા સુગરની કસ્ટોડિયન કમિટીના બેંક પ્રતિનિધિ તરીકે નિમણૂક કરતા બંને જીલ્લાના ખેડૂતો, સહકારી આગેવાનો તેમજ ભાજપમાં પણ આનંદની લાગણી ફેલાય છે.ભાજપ દ્વારા એક કાંકરે બે પક્ષીનો શિકાર કર્યો છે અને પાર્ટીના બંને આગેવાનો એક પ્લેટફોર્મ પર આવે, પારદર્શક વહીવટ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.