google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભાજપના મનસુખ વસાવાને ૮૫ હજારથી વધુ મતોની સરસાઈથી ૭ મી વાર ભરૂચના...

ભાજપના મનસુખ વસાવાને ૮૫ હજારથી વધુ મતોની સરસાઈથી ૭ મી વાર ભરૂચના સાંસદનું સિંહાસન મળ્યું

- પેહલા ૫ લાખ પછી ૩ લાખથી વધુના મતોના દાવા વચ્ચે એક લાખની અંદર સમેટાઈ ભાજપ - દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને ૫૦ હજાર મતથી જીતવાની આશા નીવડી ઠગારી - ત્રીજા ક્રમે ૨૩૧૫૧ NOTA રહ્યું,ગત ટર્મમાં નોટાને મળ્યા હતા માત્ર ૬૩૨૧ મત - મનસુખ વસાવાને ૬,૦૫,૪૮૯ મત સામે ચૈતર વસાવાને મળ્યા ૫,૧૮,૪૧૯ મત - ૨૦૧૯ ની ચૂંટણીમાં ઐતિહાસિક ૩.૩૪ લાખની સરસાઈ સામે આ વખતે મનસુખ વસાવાની લીડમાં ભારે સુનામી

(અહેવાલ – જ્યોતિ જગતાપ અને જયશીલ પટેલ)

ભરૂચ લોકસભા બેઠક પર મામા-ભાણેજ વસાવા સામે વસાવાના જંગમાં ભાજપના મનસુખ વસાવા સાતમી વખત સાંસદ બની ભાણા ચૈતર વસાવાને ૮૭ હજાર મતોથી પરાસ્ત કર્યા છે.

ભરૂચ લોકસભા બેઠક ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને રહી હતી.ભાજપના ૬ ટર્મના સાંસદ મનસુખ વસાવાને ૭ મી વખત ભાજપે ટિકિટ આપી હતી.તો દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝપલાવ્યું હતું.વસાવા વર્સીસ વસાવાના મામા-ભણેજના જંગમાં ૭ મે ના રોજ કુલ ૬૯ ટકા જેટલું મતદાન થયું હતું.

આજે ૪ જૂને મતગણતરી ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે ૭ વિધાનસભા મુજબ ૨૩ રાઉન્ડમાં હાથ ધરાઈ હતી.ભાજપના સાતમી ટર્મના ઉમેદવાર પેહલાથી ચૈતર વસાવા સામે દરેક રાઉન્ડમાં આગળ રહ્યા હતા.જોકે આપના આ ધારાસભ્ય અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપના ૬ ટર્મના સાંસદ મનસુખ વસાવાને કરારી ફાઈટ છેવટ સુધી આપી હતી.સાતેય વિધાનસભાના ૨૩ રાઉન્ડ પૂર્ણ થતાં EVM ના ૧૧.૯૨ લાખ મતોમાં ૬,૦૫,૪૮૯ મત મેળવી ભાજપના મનસુખ વસાવાએ સાતમી વખત પણ ભરૂચના સાંસદનું સિંહાસન અકબંધ રાખ્યું હતું.સામે ચૈતર વસાવાને ૫,૧૮,૪૧૯ મત મળતા ભાજપનું જીતનું માર્જિન માત્ર ૮૭,૦૭૦ મત રહ્યું હતું. જોકે પ્રચાર દરમિયાન પેહલા ભરૂચ બેઠક પર ૫ લાખથી વધુ મતોની જીત.જે બાદ ૩ લાખ કરતા વધુ મતોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જોકે એક લાખની સરસાઈથી પણ ભાજપ ભરૂચ બેઠક નહિ જીતતા ભાજપ સંગઠન અને મનસુખ વસાવામાં ઓછા માર્જિનથી જીતનો વસવસો જોવા મળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે દેડીયાપાડા, સાગબારા અને ઝઘડીયા વિસ્તારમાં આદિવાસીઓમાં અમારા નેગેટિવ પ્રચાર કરવામાં આવ્યા હતા.ક્યાં મત પડ્યા છે અને ક્યાં નથી પડ્યા તે જોયા વગર કામ કરવામાં આવશે.રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજના લોકોને મળે અને ક્યાં ક્યાં અમને નુકશાન થયું છે તેની સમીક્ષા કરવામાં આવશે અને દેડીયાપાડા અને ઝઘડીયા આદિવાસી વિસ્તાર માં સતત માર પડ્યો છે તેની ચોક્કસ સમીક્ષા કરીશું.

તો ચૈતર વસાવાને હાર જણાતા એમણે હાર સ્વીકારી લીધી હતી અને મીડિયા સમક્ષ મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા.આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું.‌અમે ઈન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડ્યા છીએ.‌ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા એ લોકો આજે લાખની અંદર જ રમતા દેખાઈ રહ્યા છે.ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારી ખૂબ મોટી જીત છે.ભરૂચ લોકસભાના મતદારોએ જે રીતે અમને સહકાર આપ્યો છે તે તમામ મતદારોને હું આભાર માનું છું.‌ભરૂચ લોકસભા મતદારોને હું જણાવવા માગું છું કે આજે પણ હું ડેડીયાપાડાનો ધારાસભ્ય છું.ભવિષ્યમાં આવનાર દિવસોમાં જે પણ લોકોના પ્રશ્નો હશે તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશ.મારી ઉંમર હજી નાની છે મારે હજુ ઘણું શીખવાનું છે આ ચૂંટણી માંથી પણ ઘણી શીખીશું અને આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સારું તો ચૂંટણી લડીશું.‌જે જનાદેશ જનતાએ આપ્યો એ બદલ ધન્યવાદ કરતા જણાવ્યું હતું કે જનતાએ મને નેતા તરીકે સ્વીકાર્યો છે.ભાજપની ૫ લાખની જીતના દાવા વચ્ચે ભાજપના ઉમેદવાર ૧ લાખની અંદર આવી ગયા. આગામી દિવસમાં અમે તાકાત થી લડીશું.‌અમારા સાથીઓએ કહું મહેનત કરીશું.કેજરીવાલની ખોટ પડી એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.

સૌથી આશ્ચર્યજનક પરિણામોમાં આ વખતે નોટા ત્રીજા સ્થાને રહ્યું હતું.૨૦૧૯ ની ચૂંટણીમાં નોટાને ૬૩૨૧ મત મળ્યા હતા.જેની સામે આ વખતે નોટાને અધધ કહેવાય એટલા ૨૩૧૫૧ મત મળ્યા હતા.

પરિણામનું વિધાનસભા વાઈઝ ફાઈનલ પત્રક આવ્યા બાદ જ ભાજપ અને આપ ક્યાં તેમને જનતાના જનાદેશ મળ્યા અને ક્યાં તેઓને મતોમાં પછડાટ તેના લેખાજોખા કાઢી મનોમંથન કરશે.

– ભાજપની લીડમાં ગત ટર્મ કરતા ૨.૪૭ લાખનું ગાબડું

૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા ૩.૩૪ લાખની ઐતિહાસિક લીડથી જીત્યા હતા. તે સમયે ભરૂચ જીલ્લા ભાજપ પાસે પાંચેય વિધાનસભા બેઠક,જીલ્લા પંચાયત કે ૯ તાલુકા પંચાયત પણ ન હતી.તેમ છતાં ૩.૩૪ લાખ મતોની જંગી સરસાઈ મેળવી હતી.જોકે ૨૦૨૪ માં ભાજપ પાસે જીલ્લા પંચાયત,૯ તાલુકા પંચાયત અને પાંચેય વિધાનસભા હોવા છતાં આપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સામે ગત વર્ષની સરસાઈ કરતા ૨.૪૭ લાખ મતોનું ગાબડું પડ્યું છે.

– લોકસભા ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં ભાજપનું ધોવાણ 

લોકસભાના પરિણામમાં ભરૂચ લોકસભામાં આવતી ઝઘડિયા વિધાનસભામાં ભાજપની બેઠક હોવા છતાં ભાજપનું ધોવાણ થયું છે.ગત વિધાનસભામાં પ્રથમ વખત ભાજપે ઝઘડિયામાં ભગવો લહેરાવયો હતો અને છ ટર્મથી જીતતા છોટું વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ હાલની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં ખાસો એવો માર પડ્યો છે અને મોટા પાયે ભાજપના મતોનુ ધોવાણ થવા પામ્યું છે.જેના કારણે મનસુખ વસાવાની લીડમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

– લોકસભા જીતવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નહીં 

ભાજપે લોકસભામાં ૪૦૦ પાર નો નારો આપ્યો હતો અને તે એમનું લક્ષ પૂરું કરવા દેશભરમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું.ભરૂચ લોકસભાની વાત કરીએ તો કોંગ્રેસ આપ અને બીટીપીના નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાવવામાં પણ મહેનત કરી હતી.જેમાં આદિવાસી મસિહા તરીકે પ્રચલિત છોટુ વસાવાના પુત્ર અને માજી ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાને પણ ભાજપ તેમની તરફે કરવા માટે સફળ રહ્યું હતું, ચૈતર વસાવાને પણ ભાજપમાં લાવવાના પ્રયાસો થયા હતા.પરંતુ આટલી મથામણ બાદ પણ ભાજપ ડેડીયાપાડા ઝઘડિયા અને લોકસભા મત વિસ્તારમાં ધાર્યું પરિણામ લાવી શક્યા નહીં.

– ગત લોકસભા કરતા મનસુખ વસાવાને ઓછા મત મળ્યા 

૨૦૨૪ લોકસભાની ચૂંટણી ભાજપ માટે ખૂબ જ આશાસ્પદ મનાતી હતી પરંતુ દેશભરમાં ૪૦૦ પાર ની વાત તો દૂર રહી ૩૦૦ થી વધુ પણ બેઠકો ભાજપને મળે એવી શક્યતાઓ દેખાતી નથી.ત્યારે તમામ બેઠકો પર ભાજપને મતો નુ ધોવાણ નડયુ છે.ગત ભરૂચ લોકસભાની વાત કરીએ તો મનસુખ વસાવાને ૬,૩૭,૭૯૫ જેટલા મતો મળ્યા હતા.ત્યાર બાદ ૨૦૨૪ માં મતદારો વધ્યા,ઝઘડીયા વિધાનસભા બેઠક હાંસલ કરી પછી પણ મનસુખ વસવાને મળેલ મતમાં નોંધપાત્ર ઘટાડો દેખાઈ રહ્યો છે.મનસુખ વસાવાને આજના પરિણામમાં ૬,૦૫,૦૦૦ જેટલા મતો મળ્યા છે.ગત લોકસભામાં મનસુખ વસાવા ૩,૩૩,૦૦ ની લીડથી વિજેતા થયા હતા.જેના બદલે આજના પરિણામમાં ફક્ત ૮૭,૦૦૦ ની લીડથી સંતોષ માનવો પડ્યો હતો.

– દેશના ગૃહપ્રધાન અમિત શાહે જે વિધાનસભા માર્ગ ક્ષેત્રમાં સભા યોજી તેમાજ મોટું ગાબડું

ભાજપ દ્વારા દેશભરમાં લોકસભા માં ૪૦૦ બેઠક લાવવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે દરેક બેઠક પર જંગી સભા યોજી હતી.ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના પ્રચાર અર્થે ગૃહમંત્રી અમિત શાહે ભરૂચ લોકસભા બેઠકના ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં સભા યોજી હતી.આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.સભા જોતા એમ લાગી રહ્યું હતું કે મનસુખ વસાવા ગત ટર્મ કરતા આ ટર્મમાં વધુ માર્જિનથી જીતશે પરંતુ તેમ બન્યું નહી અને મનસુખ વસાવાના માર્જિનમાં લાખોનો ઘટાડો થવા પામ્યો છે.ઉપરાંત જે વિધાનસભા મત ક્ષેત્ર ઝઘડિયામાં ગૃહમંત્રી અમિત શાહે સભા યોજી હતી તેમાં જ સૌથી મોટું ભાજપના મતોનું ગાબડું આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ પાડ્યું હતું અને ભાજપને જીતવા માટે પરસેવો પાડી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!