(જયશીલ પટેલ,ઝઘડીયા)
લોકસભા પહેલા ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે,આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના કમલમમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં અન્ય પક્ષોના નેતાઓએ ભાજપમાં પ્રવેશી કેસરીયો ખેસ ધારણ કર્યો છે,ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને છોટુભાઈ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા છે, આ તમામનું સીઆર પાટીલે ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યુ છે.જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા.બાલુભાઈ છોટુભાઈ વસાવા, ફતેસિંહ વસાવા, કનુભાઈ વસાવા,પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના આપના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.
મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર છે.૨૦૨૨ માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ અને તેમના પિતા ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ઝઘડિયા બેઠક પર ઉમેદવારી કરી હતી.પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો.ગત સપ્તાહે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી ભાજપ પ્રવેશની રણનીતિ નક્કી કરી હતી.
– ભાજપે ચૈતર વસાવાને ટક્કર આપવા બાજી ગોઠવી
મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટુ સંમલેન પણ કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે.જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય છે.ભરૂચમાં ૭ વિધાનસભા માંથી ૬ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે.ત્યારે એક ડેડિયાપાડા બેઠક પર આપની પાસે છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે.
– મહેશ વસાવાથી છોટુ વસાવા નારાજ
બીટીપી પ્રમુખ અને ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે.તેઓ પોતાના સમર્થકો સાથે આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો હતો અને અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.મહેશ વસાવા ૨૦૦ કારના કાફલા સાથે ૧૨૦૦ થી વધુ ના કાર્યકરો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.લોકસભા ચૂંટણી પહેલા બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા તેમના પિતા છોટુ વસાવા નારાજ થયા છે.આ કારણે હવે છોટુ વસાવા નવી પાર્ટી બનાવશે. છોટુ વસાવાના આ સ્ટેન્ડ બાદ ભરૂચ લોકસભા બેઠકનુ રાજકારણ ગરમાયું છે.રાજનીતિના મેદાનમાં પિતા અને પુત્ર સામસામે આવી શકે છે.