(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાનો વિતેલા વર્ષો દરમિયાન મોટો ઔદ્યોગિક વિકાસ થયો છે.જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત કંપનીઓમાં હાલ મોટી સંખ્યામાં પર પ્રાંતિય કામદારો કામ કરે છે. સામાન્યરીતે બહારથી આવેલ પર પ્રાંતિય ઈસમોને મકાનો ભાડે આપતા પહેલા તે બાબતે સ્થાનિક પોલીસ મથકે નોંધ કરાવવાની હોય છે.જોકે ઘણા મકાન માલિકો મકાન ભાડાની લાલચમાં આવી કોઈ નોંધ કરાવ્યા વિના પર પ્રાંતિય ઈસમોને મકાનો ભાડે આપી દેતા હોય છે.ત્યારે કોઈવાર આવા પર પ્રાંતિય ઈસમો દ્વારા જાહેર શાંતિનો ભંગ થાય તેવા કૃત્ય કરાવાની સંભાવનાઓ પણ રહેલી છે.ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી વિસ્તારના દધેડા ગામે પોલીસ નોંધણી કરાવ્યા વિના મકાન ભાડે આપનાર બે મકાન માલિકો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસે મળેલ બાતમીના આધારે દધેડા ગામે ચેકિંગ હાથ ધરતા દધેડા બજારમાં આવેલ એક મકાનની રૂમો પર પ્રાંતિય ઇસમોને ભાડે આપેલ હોવાનું તેમજ આ બાબતે પોલીસ મથકે કોઈજાણ કરેલ નહિ હોવાનું જણાતા પોલીસે સદર મકાનના માલિક સંપથલાલ કુમાવત વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.જ્યારે દધેડા ગામે અન્ય એક મકાન માલિક નારાયણભાઈ રહે.દધેડા તા.ઝઘડિયાનાએ પણ પર પ્રાંતિય ઈસમોને પોલીસ નોંધણી વિના મકાન ભાડે આપેલ હોવાની ઝઘડિયા જીઆઈડીસી પોલીસને જાણ થતાં પોલીસે સદર મકાન માલિક વિરૂધ્ધ પણ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.ઉલ્લેખનીય છેકે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર ઉપરાંત ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા નગર વિસ્તારોમાં પણ કેટલાક મકાન માલિકો દ્વારા પર પ્રાંતિય ઇસમોને પોલીસ નોંધણી વિના મકાનો ભાડે અપાતા હોવાની વ્યાપક બુમો ઉઠવા પામી છે.ત્યારે તાલુકાના આ ત્રણ મહત્વના વેપારી મથકોએ પણ આ બાબતે સઘન તપાસ હાથ ધરાય તે જરૂરી છે.
ઝઘડિયાના દધેડા ગામે પોલીસ નોંધણી વિના પર પ્રાંતિય ઈસમોને મકાન ભાડે આપનાર બે મકાન માલિકો વિરૂધ્ધ ગુના નોંધાયા
- જીઆઈડીસી વિસ્તાર સહિત તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા મહત્વના સ્થળોએ પણ પોલીસ નોંધણી વિના મકાનો ભાડે અપાતા હોવાની બુમ