(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરના ચાર રસ્તા નજીક આવેલ ચંદ્રકાન્ત એન્કલેવ નામના શોપિંગ સેન્ટરમાં આવેલ એક બિયારણ ખાતર અને દવાની દુકાનમાં કાઉન્ટર નીચેના ડ્રોઅર માંથી રૂપિયા ૭૫,૦૦૦ નું નોટોનું બંડલ ચોરાયું હોવાની ફરિયાદ રાજપારડી પોલીસમાં લખાવા પામી છે.
આ અંગે મળતી વિગતો મુજબ અત્રેના ચંદ્રકાન્ત એન્કલેવમાં રાજપારડીના પુષ્પેન્દ્રસિંહ કેસરોલાની એગ્રો બિઝનેસના નામની બિયારણ ખાતર અને દવાની દુકાન આવેલી છે.થોડા દિવસ અગાઉ તેઓ રાજસ્થાન ગયા હતા અને દુકાનનો વહિવટ દુકાનમાં નોકરી કરતી અમીષાબેન વસાવાને સોંપીને ગયા હતા. દરમિયાન ગત તા.૨૬ મી ડિસેમ્બરના રોજ અમીષાબેન દુકાને હતા તે દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરનો જણાતો એક ઈસમ દુકાને આવ્યો હતો અને દવા તથા તુવેર અને ઘઉંના બિયારણની રૂપિયા દસ હજાર જેટલી રકમની ખરીદી કરી સતારભાઈ રાજપારડીના નામનું બીલ બનાવાડ્યું હતું અને જણાવ્યું હતું કે આ બીલની રકમ હું ગુગલ પે કરીને ચુકવુ છું.ત્યાર બાદ તેણે જણાવેલ કે મેં જે ઘઉંનો ૪૦ કિલોનો કટ્ટો તમારી પાસેથી લીધો છે.તેમાંથી તમે ૧૦ – ૧૦ કિલોના ચાર અલગ અલગ ભાગ પાડી આપો.ત્યારે અમીષાબેને દુકાન માલિક પુષ્પેન્દ્રસિંહને મોબાઈલથી કોલ કરીને મોબાઈલનું સ્પીકર ચાલુ કરીને તે ઈસમ સાથે વાત કરાવતા તેણે પુષ્પેન્દ્રસિંહને કહેલ કે હું સતારભાઈનો દિકરો બોલું છું અને ૪૦ કિલોનો ઘઉંનો કટ્ટો ૧૦ – ૧૦ કિલોમાં જોઈએ છે.ત્યારે પુષ્પેન્દ્રસિંહે જણાવેલ કે અમે આ રીતે પેકિંગ તોડીને કોઈને આપતા નથી અને તેમણે અમીષાબેનને પણ કહેલ કે આપણે આ મુજબ કોઈને આપતા નથી અને કોઈ આમ કહે તો ના પાડી દેજે.ત્યાર બાદ દુકાને ટેમ્પો માલ ખાલી કરવા આવ્યો હતો અને તે દરમ્યાન ગ્રાહક તરીકે આવેલ સદર ઈસમ દુકાન પાસેની લોબીમાં આંટા મારતો હતો.ટેમ્પો ગયા પછી ઘઉંની બેએક થેલી તુટેલી હતી તેની સિલાઈ કરવા અમીષાબેન દુકાનની અંદર ગયા હતા.ત્યાર બાદ તેઓ કાઉન્ટર પર આવ્યા ત્યારે ગ્રાહક બનીને આવેલ ઈસમ ત્યાં હતો નહિ અને તેણે લીધેલ સામાન પણ લઈ ગયેલ ન હતો.તેવામાં અમીષાબેનની નજર કાઉન્ટરની નીચે આવેલ પૈસાના ડ્રોઅર ઉપર જતા ડ્રોઅર ખુલ્લું જણાયું હતું.જેથી તે ચેક કરતા ડ્રોઅરમાં ૭૫,૦૦૦ રૂપિયાનું બંડલ હતું તે જણાયું ન હતું.દુકાને આવેલ સદર ઈસમના ગયા પછી બીજી કોઈ વ્યક્તિ દુકાને આવી ન હતી,જેથી દુકાને ખરીદી કરવાના બહાને આવેલ સદર ઈસમ નજર ચુકવીને દુકાનમાંના કાઉન્ટર નીચેના પૈસાના ડ્રોઅર માંથી રૂપિયા ૭૫,૦૦૦ નું નોટોનું બંડલ ચોરી ગયો હોવાના આક્ષેપ સાથે અમીષાબેન વસાવા રહે.રાજપારડીનાએ તા.૧૩ જાન્યુઆરીના રોજ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.