રાજકોટ,
આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી.આજ રોજ 17 ફેબ્રુઆરીના રોજ ખોડિયાર જયંતીએ મા ખોડલના પ્રાગટ્ય દિવસની રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા.સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે સૌ ભક્તોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી.
ખોડિયાર જયંતીના પાવન અવસરે મા ખોડલનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.સાથે જ શ્રી ખોડલધામ મહિલા સમિતિ- ધોરાજી દ્વારા અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતી નિમિત્તે સવારે મા ખોડલની આરતી બાદ ભક્તો માટે માતાજી અને અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સાથે જ શ્રી ખોડલધામ તાલુકા સમિતિ- ધોરાજી અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ- ધોરાજી દ્વારા મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા.માં ખોડલને વિવિધ મિઠાઈ અને ફરસાણ સહિત કુલ 56 વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.આખો દિવસ ભક્તો આ અન્નકૂટના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે.ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો મંદિરે મા ખોડલના દર્શનાર્થે આવી રહ્યા છે અને મા ખોડલના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
ખોડિયાર જયંતીના પાવન અવસરે રાજકોટના વતની અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી વિમલભાઈ પાદરીયાએ પરિવાર સાથે ખોડલધામ મંદિરે સવારે ધ્વજારોહણ કર્યું હતું અને માં ખોડલને 14 તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો હતો.વિમલભાઈ પાદરીયાએ ખોડિયાર જયંતીના દિવસે મા ખોડલને સોનાનો હાર અર્પણ કરીને દર્શન કરીને માં ખોડલના આશીર્વાદ લીધા હતા.
શ્રી ખોડલધામ મંદિરે ખોડિયાર જયંતીની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી
- માં ખોડલને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો, ધ્વજારોહણ અને યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા - ટ્રસ્ટી વિમલભાઈ પાદરીયાએ મા ખોડલને 14 તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો - સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા