(જયશીલ પટેલ,ઝઘડીયા)
આજરોજ મહાશિવરાત્રીનું પર્વ હોઈ દરેક ગામો તેમજ શહેરોમાં પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહથી મહાશિવરાત્રી પર્વ મનાવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકાના ગામોએ પણ શિવ ભક્તોએ ભક્તિભાવથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.તાલુકાના વિવિધ ગામોએ આવેલ શિવમંદિરોમાં દર્શન માટે વહેલી સવારથી ભક્તોની દર્શન માટે લાઈન લાગી હતી.ઝઘડિયા તાલુકામાં ઘણા સ્થળોએ શિવ મંદિરો આવેલા છે.જેમાં ઈન્દોર ગામે ઈન્દ્રેશ્વર મહારાજ, ઉમલ્લા ખાતે સોમેશ્વર મહાદેવ, હરિપુરા ગામે ભંડારેશ્વર મહાદેવ, ફિચવાડા ખાતે ચંદ્રહાશ મહાદેવ, અછાલિયા ગામે સુરપાણેશ્વર મહાદેવ, મણીનાગેશ્વર, શિયાલીનું રામેશ્વર મહાદેવ,કરારનું કલકલેશ્વર મહાદેવ,ઝઘડિયા નજીક લિંબેશ્વર મહાદેવ,મઢીનું નર્મદેશ્વર મહાદેવ, મોટાસાંજા ખાતે અનરકેશ્વર મહાદેવ,રાણીપુરા ખાતે જગન્નાથ મહાદેવ તથા દુધેશ્વર મહાદેવ,ઉચેડિયા ખાતે સર્પેશ્વર અને વાઘેશ્વર મહાદેવ તેમજ ગોવાલી ખાતે ગુપ્તેશ્વર મહાદેવ વિ.નો સમાવેશ થાય છે.તાલુકાના આ બધા શિવમંદિરોએ વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. મહાશિવરાત્રી પર્વનું હિન્દુ ધર્મમાં મોટું આધ્યાત્મિક મહત્વ રહેલું છે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ મંદિરોમાં શિવજીને બીલીપત્રો ચઢાવવાનો મહિમા છે તેમજ બીલીપત્રોની સાથેસાથે દુધ અને પાણીનો અભિષેક પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે મહાશિવરાત્રીનું પર્વ એટલે શિવની આરાધનાનું પર્વ.આ દિવસે શિવભક્તો દ્વારા ઉપવાસ કરવામાં આવે છે અને કહેવાય છે કે તેનાથી શિવજી રાજી થાય છે.મહાશિવરાત્રીનું પર્વ શિવભક્તો માટે શ્રધ્ધાનું પર્વ ગણાય છે.આજે મહાશિવરાત્રીનું પર્વ હોવાથી ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ગામેગામ શિવ ભક્તોએ પરંપરાગત ભક્તિભાવ અને શ્રધ્ધાપુર્વક ઉમંગથી શિવરાત્રી પર્વ મનાવ્યું હતું.તાલુકામાં વિવિધ સ્થળોએ આવેલ શિવ મંદિરોમાં આરતી પુજન તેમજ પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા.જેનો ભક્તજનોએ ભક્તિભાવથી લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વિવિધ સ્થળોએ આવેલ પ્રાચિન શિવાલયોની ગણના ભરૂચ જીલ્લાના પૌરાણિક શિવ મંદિરોમાં થાય છે.આમ ઝઘડિયા તાલુકાના ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા જેવા નગરો સહિત તાલુકાના તમામ ગામોએ ઠેર ઠેર મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવથી પરંપરાગત ઉત્સાહથી ઉજવણી થઈ હોવાના અહેવાલ મળ્યા છે. તાલુકાના શિવ મંદિરોમાં દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી.શિવરાત્રી પર્વ નિમિત્તે બટાકા અને શક્કરીયાં ખાવાનો મહિમા છે.