ભરૂચ,
Multilingual education is a pillar of international learning અર્થાત બહુભાષી શિક્ષણ એ આંતરરાષ્ટ્રીય શિક્ષણનો આધારસ્તંભ છે. આ વર્ષ 2024નો જાહેર કરેલો વિષય છે. અહી એટલા માટે કહેવામા આવી છે કે આજરોજ વિશ્વ માતૃભાષા દિવસ છે.
ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં આજ રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભારતી વિદ્યામંદિરના ધોરણ 6 થી 7ના બાળકોને લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે એની સમજ આપવામાં આવી અને સાથે સાથે માતૃભાષાનું આપણાં જીવન ઘડતરમાં કેટલું બધુ મહત્વ છે તે જણાવવામાં આવ્યું હતું.માતૃભાષા અને ભાષાપ્રેમી હોવું એ પણ ગૌરવની વાત છે.ગ્રંથપાલ દ્વારા ભાષાના વિવિધ પ્રકાર પણ સમજાવવામાં આવ્યા હતા અને એ પણ જાણવું રહયું કે ભાષા એ ફકત મનુષ્યજાતિનો ઈજારો નથી પશુઓની પણ એક પોતિકી ભાષા હોય છે. પ્રસ્તુત કાર્યક્ર્મમાં 110 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકો દ્વારા ગુજરાતી ભાષામાં વાર્તાનું પઠન પણ કરાવવામાં આવ્યું હતું અને સાથે સાથે ભાષા શુદ્ધિ , લેખન શુદ્ધિ અને વાંચન શુદ્ધિ કેવી રીતે કેળવવી એ પણ જણાવવામાં આવ્યું હતું.ભાષા મારી કે તમારી નથી પણ આપણાં સૌની છે
ભાષા પોતિકી છે.ભાષામાં માતૃભાષા સર્વ શ્રેષ્ઠ છે. ઉત્તમ થી સર્વોત્તમ છે.જગતને જાણવા માટે અન્યભાષાની જાણકારી હોવી આવશ્યક છે પણ જગતને ખરા અર્થમાં સમજવું હોય તો માતૃભાષા જ ઉત્તમ માધ્યમ છે.ફક્ત ઉજવવાથી માતૃભાષા જીવંત રહેતી હોત તો જગતમાથી લગભગ 7000 જેટલી અલગ અલગ પ્રાંતમાં બોલાતી માતૃભાષા લુપ્ત ન થાત.માતૃભાષાને ખરાઅર્થમાં ચરિતાર્થ કરવા માટે એને બોલવાની,વાંચવાની,વાતચીતમાં અમલી બનાવવાની, લખવાની અને અભિવ્યક્ત કરવાની પણ ટેવ પાડવી પડશે.ધીરે ધીરે બાળકો એ પણ ભૂલી જશે કે નિશાળ એટલે જ સ્કુલ. કોઈ પણ બાળકના વાલીને પણ તમે પૂછોને કે ક્યાં ગયો છે તમારો પુત્ર કે પુત્રી ? તો તમને જવાબ મળશે એ તો સ્કુલે ગયો છે.નિશાળે ગયો છે એવું સાંભળવા મળે તો પોતાની જાત અને માતૃ ભાષા ગુજરાતી પર જરૂર એકવાર ગર્વ કરી પોતાની પીઠ જાતે જ થાબડી લેજો.આજનું બાળક ઘરેથી નિશાળે રીક્ષામાં કે વેનમાં જાય છે અને નિશાળેથી ઘરે પણ એ રીક્ષા કે વેનમાં જ પરત આવે છે.બીજા શબ્દોમાં કહું તો એ બાળક ઘરેથી નિશાળમાં અને નિશાળેથી ઘરે એક માલસામાનની જેમ ઠલવાય છે.
આપણી સંસ્કૃતિથી અને માતૃભાષાથી તો આપણા બાળકોને અવગત કરાવવાના જ છે પણ પહેલા તેઓને આપણી આસપાસના વિસ્તાર, મહોલ્લા, ફળિયા,જોવાલાયક સ્થળો,પક્ષીઓ અને પ્રાણીઓને આપણી ભાષા થકી અવગત કરાવવાના છે.નહી તો પેલા બાળકને નિશાળ એટલે શું એ સમજવાની તૈયારી તો બધાએ કરવી જ રહી !
ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી
- માતૃભાષા આપણને યોગ્યતા અને સમજ સાથે ઉછેરે છે - માતૃભાષા આપણને સમજ સાથે ઉછેરે છે અને એ સમજ સમાજ અને સમાજની સમજને જીવંત રાખે છે