google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratભરૂચ જિલ્લામાં રૂ.રર૭ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને...

ભરૂચ જિલ્લામાં રૂ.રર૭ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

- લોકો વિકાસના સંકલ્પો કરે, જનપ્રતિનિધિઓ સુધી તેમની લાગણીઓ અને માંગણીઓ પહોંચાડે; અમે તમારી માંગણીઓ પૂર્ણ કરવા હરહંમેશ પ્રતિબદ્ધ છીએ : મુખ્યમંત્રી - ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગો સહિત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સીએસઆર, જીએનએફસી તથા નગરપાલિકાના રૂ.૨૨૭ કરોડના ૩૩ વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રી

ભરૂચ,
ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગો સહિત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સીએસઆર,જીએનએફસી તથા નગરપાલિકાના રૂ.૨૨૭ કરોડના ૩૩ પ્રકલ્પોના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે,હકારાત્મક કાર્યશૈલી અને પ્રજાહિતના કાર્યોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ પર નાગરિકોનો વિશ્વાસ વધ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિમાંથી રાજ્ય સરકારે સુશાસનની પ્રેરણા મેળવી છે. પરિણામે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના ધ્યેય સાથે કલ્યાણ યોજનાઓના ૧૦૦ ટકા લાભો આપીને વિકાસને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવામાં સફળતા મળી છે.
મુખ્યમંત્રીના હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. ૧૨૯.૮૬૫ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગના રૂ.૭૧.૯૨ કરોડના ૯ પ્રકલ્પોનુ લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂ.૭.૬૯ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત વિવિધ વિભાગોના કુલ ૨૨૭ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી હતી.મુખ્યમંત્રીએ ભરૂચમાં રૂ.૪.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભોલાવ ડેપોનું લોકાર્પણ કરી ડેપોમાં ઉભી કરવામાં આવેલી જનસુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે દુધધારા ડેરી ગ્રાઉન્ડ, ઓલ્ડ એન.એચ-૮, ભરૂચ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાર હાથ છે. જેમના થકી રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોની હેલી વરસી રહી છે. કારણ કે ગુજરાતને છેલ્લા ૧૫ દિવસમાં જ વડાપ્રધાનએ રૂ.૧ લાખ ૧૦ હજારના વિકાસ કામોની ભેટ આપી છે. ડબલ એન્જિન સરકારના લાભો પણ ડબલ હોય એની પ્રતીતિ રાજ્યના નાગરિકોને થઈ રહી છે એમ જણાવી જનતાની વિકાસકામોની અપેક્ષા રહેશે એનાથી મોટા સંકલ્પો સાકાર કરવાની રાજ્ય સરકારની તત્પરતા હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
પી.એમ જન આરોગ્ય યોજના (PMJAY) વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બની છે એમ સગૌરવ જણાવી તેમણે ઉમેર્યું કે,આયુષ્માન કાર્ડ એ એવી સંકટ સમયની સાંકળ છે જેના કારણે કોઈ ગરીબ પરિવાર નાણાના અભાવે ગંભીર બીમારીનો ઈલાજ ન કરી શકે એવી નોબત આવતી નથી. આ સંજીવની સમાન યોજનાએ લાખો પરિવારોને આર્થિક બોજમાંથી ઉગાર્યા છે.
મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનતાને વિશ્વાસ અપાવતા કહ્યું કે, લોકો વિકાસના સંકલ્પો કરે, જનપ્રતિનિધિઓ સુધી તેમની લાગણીઓ અને માંગણીઓ પહોંચાડે. અમે તમારી માંગણીઓ પૂર્ણ કરવા હરહંમેશ પ્રતિબદ્ધ છીએ. પ્રજાના સપનાઓ અને સંકલ્પો સાકાર કરવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીના કારણે દેશવાસીઓને વડાપ્રધાનશ્રીમાં પોતીકા અને અંગત સ્વજનની અનુભૂતિ થઈ રહી છે.હકારાત્મક કાર્યશૈલી અને પ્રજાહિતના કાર્યોથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નાગરિકોનો વિશ્વાસ વધ્યો છે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાને છેલ્લાં આઠ મહિનામાં જ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ મળ્યા છે.રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપતા ભરૂચ જિલ્લાને વધુમાં વધુ વિકાસકામોની ભેટ મળતી રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી.
રાજ્યના સર્વસમાવેશી બજેટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે,૩.૩૨ લાખ કરોડનું રાજ્ય સરકારનું માતબર બજેટ રાજ્યના નાગરિકોની આશા અપેક્ષા સંતોષવા માટે પૂરતું છે. નાણાના અભાવે વિકાસ કામો અટકે નહીં એ પણ આ બજેટ દ્વારા સરકારે સુનિશ્ચિત કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે સેવા કરવી હોય તો સુશાસન પણ આપવું જ પડે.સેવા પણ અને સુશાસન પણ એવા લક્ષ્ય સાથે કાર્ય કરવું એ સરકારની નેમ છે.રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારીના સર્જન માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું બીજ રોપ્યું હતું. આ પહેલ આજે ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકી છે. રાજ્ય સરકારે સમયને અનુરૂપ ગ્રીન એનર્જીને મહત્વ આપ્યું છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૨૪ માં ગ્રીન એનર્જી ક્ષેત્રે સૌથી વધુ એમઓયુ થયા છે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્યમાં વ્યવસાય રોજગારને પ્રોત્સાહન મળે એ પ્રકારે શાંતિ અને સલામતીનું વાતાવરણ ઉભું થયું છે. જેના કારણે ઔદ્યોગિક વિકાસની ગતિ તેજ બની છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે ચૂંટણીના વચનો પ્રમાણિકપણે પૂર્ણ કર્યા છે. તમામ ક્ષેત્રોના ગરીબ, વંચિત, શોષિત લોકો સુધી યોજનાકીય લાભો અને વિકાસના ફળો પહોંચાડયા છે એમ જણાવી વસાવાએ ભરૂચ જિલ્લાને માતબર વિકાસની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં તેમણે ભરૂચ અને વાગરા તેમજ અંકલેશ્વરથી નેત્રંગને જોડતા પાકા રોડનું કામ મંજૂર થઈ ચૂક્યું છે, જે નિયત સમયમાં સાકાર થશે એમ ઉમેર્યું હતું.
પ્રારંભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રી અને મહાનુભાવોને આવકાર્યા હતા. તેમણે મુખ્યમંત્રીને તુલસીનો છોડ અર્પણ કરી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષીએ આભાર દર્શન કર્યુ હતું
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા આયોજન વિભાગ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લાના વિકાસને આલેખતી વિકાસ વાટિકા નું પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય સર્વ ઈશ્વરસિંહ પટેલ,અરૂણસિંહ રણા,રમેશભાઈ મિસ્ત્રી, ડી કે સ્વામી,રિતેષભાઈ વસાવા, રાજ્યના બંદર અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, દૂધધારા ડેરી અને ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર,પૂર્વ
મંત્રી ખુમાનસિંહ વાંસિયા તથા જિલ્લાના વિવિધ પદાધિકારી-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • રૂ.૪.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભોલાવ ડેપોનું લોકાર્પણ
    ભોલાવ ડેપો પર દૈનિક ૯૦૦ જેટલી એસ.ટી. બસોની અવરજવર થશે
    મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂ.૭.૬૯ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું,જેમાં રૂ.૪.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભોલાવ ડેપોનું લોકાર્પણ કરી એસ.ટી.બસ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ડેપો કાર્યરત થવાથી સ્થાનિક લોકોની મુસાફરી વધુ સરળ અને સુગમ બનશે. મુસાફરોને નર્મદા ચોકડી કે ઝાડેશ્વર ચોકડી સુધીનો ધકકો ખાવો નહીં પડે. ભોલાવ ડેપોનું લોકાર્પણ થયા બાદ હવે શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થયા છે.
  • મુખ્યમંત્રી ના હસ્તે ભરૂચ જિલ્લાની જનસુખાકારી વધારતા રૂ.૨૨૭ કરોડના વિકાસકામો જનસમર્પિત
    ભરૂચ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂા.૧૨૯.૮૬ કરોડના ૮ જેટલા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા હતા. જેમાં રૂ.૧૨૮.૫૬ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત જ્યારે રૂ.૧.૩૦ કરોડના ૨ કામોના લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગનાં રૂા.૭૧.૯૨ કરોડના ૯ પ્રકલ્પો પૈકી કુલ રૂા.૩૮.૫૯ કરોડના ૪ પ્રકલ્પોનું ભૂમિપૂજન તથા રૂ.૧૪.૬૩ કરોડના ૨ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા રૂ.૧૮.૭ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ, રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ રૂ. ૭.૬૯ કરોડના ૨ પ્રકલ્પો પૈકી રૂ. ૩.૧૯ કરોડના ૧ પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા રૂ.૪.૫૦ કરોડના ૧ પ્રકલ્પનું લોકાર્પણ, શિક્ષણ વિભાગના કુલ રૂ.૬.૯૬ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગના કુલ રૂ.૬૨ લાખના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સીએસઆર, જીએનએફસીના કુલ રૂ. ૨.૯૦ કરોડના ૨ પ્રકલ્પોના લોકાર્પણનો સમાવેશ થાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!