ભરૂચ,
૩૧ મી ડીસેમ્બરની રાત્રીએ ભરૂચના દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ એકત્ર થઈ વિશેષ પ્રાર્થના સભાઓ યોજવા સાથે નવા વર્ષને આવકારવા માટે એકત્ર થયા હતા અને ૨૦૨૩ના પુતળાનું દહન કરી નવા વર્ષ ૨૦૨૪ને આવકારી ખ્રિસ્તી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી હતી.
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલય ખાતે ૩૧ મી ડીસેમ્બરની રાત્રીએ મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહી સંધ્યાકાળથી મોડી રાત્રી સુધી વિશેષ પ્રાર્થના સભાઓ યોજી હતી અને વર્ષ ૨૦૨૩ ને યાદ કરી આવનારું વર્ષ ૨૦૨૪ સમગ્ર વિશ્વના લોકો માટે સારું રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ એકત્ર થઈ ભગવાન ઈસુની વિશેષ પ્રાર્થનાઓ કરવા સાથે પૂજા – અર્ચના પણ કરી હતી અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ તેના માટે દેવાલયોમાં ખ્રિસ્તી બંધુ હોય પ્રાર્થના સભાઓ સંબોધી હતી.શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાય ખ્રિસ્તી બંધુઓ આરોગ્ય દેવાલય બહાર પણ ઉભા રહી પ્રાર્થના સભાનો લાભ લીધો હતો અને પ્રાર્થના સભા બાદ ખ્રિસ્તી બંધુઓએ પ્રસાદીનો લ્હાવો લઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આરોગ્ય માતા દેવાલયમાં ૧૨ના ટકોરે પ્રાર્થના સભા યોજી હતી જે બાદ આરોગ્ય માતા દેવાલયની બહાર વિદાય લઈ રહેલા ૨૦૨૩નું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું અને ૨૦૨૩ની અંતિમ ઘડી એટલે કે ૧૨ વાગ્યાના ટકોરે ૨૦૨૪ને આવકારવા આવ્યું હતું.જે બાદ આરોગ્ય દેવાલયમાં ખુલ્લી જગ્યામાં વીતેલા વર્ષને ગુડબાય ૨૦૨૩, અભિમાન, વ્યસન, અંધશ્રદ્ધા, આતંકવાદ, કોમવાદ તેમજ ભેદભાવ સહિતના વિવિધ સૂત્રોચાર સાથેનું તૈયાર કરવામાં આવેલ પૂતળાંનું ફાધર મિક્કિ દ્વારા દહન કરવામાં આવ્યું હતું અને જૂના વર્ષને ભૂલી નવા વર્ષને ખ્રિસ્તી બંધુઓએ આવકારી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના સાથે એક બીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.