(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર તેવતિયાએ જણાવ્યું કે, જિલ્લાને મળેલ ચાર એમ્બ્યુલન્સ પૈકી બે એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને બે દેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે.જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે.અંદાજે ૮૦ હજાર લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનકકુમાર માઢકે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઈમરજન્સીમાં દર્દીને સમયસર, યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે.આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત ચાર અનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે.