google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratપોઈચા દુર્ઘટનામાં બચાવ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્વેતા તેવતિયા

પોઈચા દુર્ઘટનામાં બચાવ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટર શ્વેતા તેવતિયા

- આપત્તિની ઘડીમાં હતભાગી પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા આપતા કલેક્ટર

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નાંદોદ તાલુકાના પોઈચા પાસે નર્મદા નદીમાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતેથી પાણીમાં ડૂબી ગયેલી સુરતની સાત વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ,વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ,કરજણ અને ભરુચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જીલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલી કવાયતનું કલેક્ટર શ્વેતા તેવતિયાએ નિરીક્ષણ કર્યું હતું.તેઓની સાથે જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ જોડાયા હતા.બચાવ કાર્યના કેમ્પ સ્થળે હતભાગી પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ સાંત્વના વ્યક્ત કરી હતી.તેમણે બનતી તમામ સહાય કરવા માટેની હૈયાધારણા પણ આપી હતી.સુરતનો એક પરિવાર પોતાના સ્નેહી સંબંધીઓ સાથે પોઈચા,કરનાળીની યાત્રા કરવા માટે આવ્યો હતો.તે દરમ્યાન નર્મદા નદીમાં ન્હાવા પડયા બાદ તેમાંની સાત વ્યક્તિ પાણીમાં ગરક થઈ ગઈ હતી.તા.૧૪ના બપોરના સમયે બનેલી ઘટનાની જાણ થયા બાદ નર્મદા જીલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સના જવાનો ઉપરાંત વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી.આ બચાવ કામગીરીમાં ૬૦ જેટલા તરવૈયાઓ અને નિષ્ણાંતો જોડાયા છે.આજ તા.૧૫ના બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૮ કલાકથી શોધખોળ ચાલી રહી છે.
કલેક્ટર શ્વેતા તેવતિયા સહિત પ્રશાસનિક અધિકારીઓ રાહત અને બચાવની કામગીરી ઉપર સતત નજર રાખી રહ્યા હતા.આજે આ ઉચ્ચ અધિકારીઓએ પોઈચાની મુલાકાત લીધી હતી અને શોધખોળની જાત માહિતી મેળવી હતી.એનડીઆરએફ,આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ દ્વારા જરૂરી જાણકારી પૂરી પાડવામાં આવી હતી.રાહત કમિશનરની કચેરી દ્વારા પણ આ કામગીરીના સતત અપડેટ મેળવાઈ રહ્યા છે.હતભાગી પરિવારને પોઈચા ખાતે ઉતારવામાં આવ્યા છે.તેમની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.આ પરિવારને રૂબરૂ મળી કલેક્ટર તેમના દુઃખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી.તેમણે આ આપત્તિની ઘડીમાં પરિવારને હરસંભવ મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી.તેમના દુઃખમાં પ્રશાસન પડખે ઉભું છે, એવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!