(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના મુખ્યમથક ખાતેથી કલેક્ટર સ્તુતિ ચારણ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે મતદાન જાગૃતિ ડેમોસ્ટ્રેશન વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આગામી લોકસભા ચૂંટણીમાં જિલ્લાના નાગરિકોની વધુમાં વધુ ભાગીદારી નોંધાય તેવા હેતુ સાથે આ ડેમોસ્ટ્રેશન વાન જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને લોકોને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરશે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જેવા લોકશાહીના મહાપર્વમાં મતદાતાની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર પણ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરીને મતદાતાને પ્રોત્સાહીત કરવાની કામગીરી હાથ ધરી છે.મહિલા મતદારો, યુવાન મતદારો, સિનિયર સિટીઝન,દિવ્યાંગ મતદારો સહિત આ વાન દ્વારા થર્ડ જેન્ડર મતદારોને વિજાણું મતદાન યંત્ર તથા વીવીપેટ દ્વારા મતદાન કેવી રીત કરવું તે અંગે સંપૂ્ણ ચૂંટણીને લગતી નોધણી પ્રક્રિયા અંગે જાગૃત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહજી, પ્રાયોજના અધિકારી સચિનજી, જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ,જિલ્લા ચૂંટણી અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.