(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કુંવરપરાના એક ઈસમે ઝઘડિયાના પોલીસ ઈન્સ્પેક્ટર, પીએસઆઈ તેમજ અન્ય પોલીસકર્મીઓએ તું દારૂનો ધંધો કરે છે એમ કહીને પોલીસ સ્ટેશને લાવીને માર મારી રુપિયા ૩૦ હજાર લીધા હોવાના આક્ષેપ સાથે જીલ્લા પોલીસવડાને ફરિયાદ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાની મળતી વિગતો મુજબ કુંવરપરા ગામે રહેતા બાબુભાઈ છનાભાઈ વસાવા ગત તા.૧૭ મીના રોજ સ.વાઘપુરા ગામે રહેતી તેમની બહેનને ત્યાં લગ્નનો પ્રસંગ હોવાથી સાંજના સ.વાઘપુરા ગામે ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી જમી પરવારીને તેઓ નીકળતા હતા ત્યારે તે દરમ્યાન ઝઘડિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશ ધનજી વસાવાએ ત્યાં આવીને બાબુભાઈની ફેટ પકડી લઈને જણાવેલ કે તું ઈંગ્લીશ દારૂનો ધંધો કરે છે.તેમ જણાવીને ગાળો બોલીને ઝઘડિયા પોલીસની ગાડી મંગાવીને તેમાં બળજબરીથી બેસાડીને ઝઘડિયા પોલીસ મથકે લઈ ગયા હતા.બાબુભાઈએ કહેલ કે હું દારૂ નથી વેચતો અને મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું.તેમ છતાં તેઓ માનેલ નહી.ત્યાર બાદ બાબુભાઈને પોલીસ કસ્ટડીમાં રાખેલ.રાતના આશરે નવ વાગ્યાના અરસામાં પીએસઆઈ પારેખે તેમને લાકડીના પાંચ જેટલા સપાટા પાછળના ભાગે માર્યા હતા.ત્યાર બાદ બીજા દિવસે રવિવારના રોજ તેમને એક જામીન લાવવાનું કહ્યું હતું.તેથી તેઓએ તેમના એક ઓળખીતા ભાઈને જામીન તરીકે બોલાવ્યા હતા.ત્યાર બાદ પીઆઈ આવશે એટલે તેમને છોડી મુકવામાં આવશે એમ કહેવાયું હતું.પીઆઈ પોલીસ સ્ટેશનમાં આવતા તેમને પીઆઈની ઓફિસમાં લઈ જવાયા હતા અને બેરહેમીથી નીચે સુવાડીને પગના તળિયામાં લાકડીના સપાટા માર્યા હતા અને સખત માર મારીને તેમની પાસે રૂપિયા પચાસ હજારની માંગણી કરવામાં આવી હતી.તેમણે પોતે ગરીબ હોઈ પચાસ હજાર રૂપિયા ક્યાંથી લાવીએ એમ કહેતા પીઆઈની ઓફિસમાં તેમને ચાર જેટલા પોલીસોએ પકડી રાખેલ અને ફરીથી લાકડીના સપાટાનો માર માર્યો હતો.છેવટે રૂપિયા ત્રીસ હજારની માંગણી કરાતા તેમના ઘરેથી મજુરીના ભેગા કરેલ રૂપિયા ત્રીસ હજાર મંગાવીને પોલીસ સ્ટેશનમાં આપ્યા હતા.પોતાની ખોટી રીતે ધરપકડ કરીને માર મારીને રૂપિયા ત્રીસ હજારની રકમ ખોટી રીતે પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે બાબુભાઈ વસાવા રહે.કુંવરપરાનાએ ઝઘડિયા પીઆઈ વાળા,ઝઘડિયા પીએસઆઈ પારેખ તેમજ અન્ય બે પોલીસ કર્મીઓ રમેશ ધનજી વસાવા અને અજય અરવિંદ વસાવા વિરૂધ્ધ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરીને ફરિયાદની નકલ ભરૂચ એસીબી પોલીસને પણ આપી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
– ભોગ બનનાર ઈસમ તથા તેના પુત્ર સામે ગત સપ્તાહે ઝઘડિયા પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ થયો હતો
ઝઘડિયા તાલુકાના કુવરપુરા ગામના બાબુ સના વસાવા તથા તેનો પુત્ર દિલીપ બાબુ વસાવાના ઘરે છાપો મારી વિદેશી દારૂના બોટલ ઝડપ્યા હતા ઝઘડિયા પોલીસે ૩ નંગ ક્વાર્ટર જેની કિંમત રૂ.૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પિતા પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો.