અમદાવાદ,
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે કોંગ્રેસ માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં મળતી માહિતી અનુસાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.સૌથી મોટી વાત એ છે કે, કોંગ્રેસ પાર્ટીએ તેમના પર ભરોસો મુકીને આ બેઠક પર તેમને ટિકિટ આપી હતી.હવે તેમના ઈનકાર બાદ પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થાય તો નવાઈ નથી.
સોમવારે કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ એક ટ્વીટ કરી ખરાબ સમાચાર આપ્યા હતા.તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, તેમના પિતાની ગંભીર તબિયતને કારણે તેમણે નામ પાછું ખેંચ્યું છે.પાર્ટી દ્વારા નિયુક્ત નવા ઉમેદવારને હું સંપૂર્ણ સમર્થન આપીશ.રોહન ગુપ્તાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ગુજરાતીમાં લખેલું રાજીનામું મોકલ્યું છે.46 વર્ષીય કોંગ્રેસના નેતા હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા છે.અગાઉ તેમણે સોશ્યલ મીડિયા વિભાગની જવાબદારી સંભાળી હતી.તેઓ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર છે.જેઓ હરિયાણાના ભિવાનીથી ગુજરાતમાં આવ્યા હતા.અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપે આઉટગોઈંગ સાંસદ હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.કોંગ્રેસે 12 માર્ચે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.જેમાં ગુપ્તાના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ સામેલ હતા.