(સંજય પટેલ, જંબુસર)
જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમભાઈ સાયકલ વાળાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું હતું.ત્યાર બાદ સ્થાનિક લોક પ્રશ્નો બાબતે મામલતદાર જંબુસરને આવેદનપત્ર અપાયું હતું.
કાર્યકર સંમેલનમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,સંદીપભાઈ માંગરોલા, મુમતાઝબેન પટેલ, તાલુકા પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
જંબુસર સીટ કોંગ્રેસને સમર્થન આપનારી સીટ છે. જંબુસર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો.લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે મીટીંગો કરી રાજકીય પરિસ્થિતિ ઉદ્ભભવી રહી છે,તેનાથી લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું.સરકાર સામે જનતામાં આક્રોશ છે અને જનતાને જાગૃત કરવાની કોંગી કાર્યકરોની ફરજ છે.અયોધ્યા રામ મંદિર અંગે જે માહોલ ઉભો કરાયો છે,ધર્મના નામે ધ્રુવીકરણ કરી કોંગ્રેસને નીચા પાડવાની વાત થઈ રહી છે.તો કાર્યકર્તાઓએ માથું ઊંચું રાખી કોંગ્રેસની વિચારધારા જનતામાં લઈ જવી જોઈએ, રામ મંદિરની કલ્પના રાજીવ ગાંધીએ કરી હતી.રાજીવ ગાંધીએ રામાયણ સિરીયલ તથા તાળા ખોલવા અંગે પણ કાર્ય કર્યું હતું અને રામરાજ્યની સ્થાપનાનો સંકલ્પ કર્યો હતો.ભાજપની સરકાર જનતાને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે.રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા લઈને ભરૂચ જિલ્લામાંથી પસાર થવાના છે.તો દરેકે સહભાગી થવા અપીલ કરી લોકસભાની ચૂંટણી આવનાર પેઢીના અસ્તિત્વની ચૂંટણી છે.ત્રીસ વર્ષથી જનતાના પ્રશ્નો રોજગારી, મોંઘવારી, બેરોજગારી હલ થઈ નથી,ભાજપા ની તાનાશાહી સામે કોંગ્રેસ મસીહા બનીને આવવા જણાવ્યું હતું.લોક સંવાદ કાર્યક્રમ કેમ કરવામાં આવે છે તે સમજાવી દેશને આઝાદ કરવાનું કાર્ય કોંગ્રેસે કર્યું હતું.અત્યારે દેશની જે હાલત છે તે અંગ્રેજો કરતાં પણ ખરાબ છે.જંબુસર શહેરના રોડ રસ્તા, ગટર, પાણી તે ખૂબ જ બદત્તર છે.કોંગ્રેસ પાર્ટી જાતી, ધર્મ, ભેદભાવ ભૂલી સર્વ ધર્મ, જાતિ, સમભાવની ભાવનાથી ચાલે છે.આપણે બધા એક થઈ કાર્ય કરવું પડશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું.
સદર સંમેલન બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચાર સાથે મામલતદાર જંબુસર વી બી પરમાર ને મોંઘવારી,બેરોજગાર,ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા તથા જંબુસર નગરપાલિકા શહેરી વિસ્તારમાં મીઠા પાણી, ગટર ,ગંદકી, રસ્તા, સ્ટ્રીટ લાઈટની સમસ્યાનું ત્વરિત નિકાલ લાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જંબુસર શહેર પ્રમુખ જાવેદભાઈ તલાટી, વિરોધ પક્ષ નેતા સાકીરભાઈ મલેક, મુસ્તાકભાઈ કારભારી સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.