(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટ માંથી લાંબા સમયથી મોટાપાયે રેત ખનન થાય છે.નર્મદાના પટમાંથી રેતી ભરીને દરરોજ ખુબ મોટી સંખ્યામાં રેતી વાહક ટ્રકો તાલુકામાં ધોરીમાર્ગ પરથી પસાર થતી હોય છે.સામાન્ય રીતે રેતીનું વહન કરતા વાહનોએ રેતી પર વ્યવસ્થિત રીતે તાડપત્રી ઢાંકવાની હોય છે.જેથી દોડતા વાહન માંથી રેતી ઉડે નહિ.જો આવી રેતી વાહક ટ્રક પર વ્યવસ્થિત રીતે તાડપત્રી ઢાંકેલી નહોય તો દોડતી ટ્રક માંથી રેતી ઉડતા પાછળ આવતા વાહન ચાલકો અને ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોની આંખોમાં રેતી પડતા તેઓ મુશ્કેલીમાં મુકાય છે અને આને લઈને કોઈવાર અકસ્માત થવાની પણ દહેશત રહેલી હોય છે. રાજપારડી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન તાડપત્રી નહિ ઢાંકેલ રેતીની ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.રાજપારડી પીએસઆઈ કે.બી.મીરના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો રાજપારડી ચાર રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન પસાર થતી એક રેતીવાહક ટ્રક પર તાડપત્રી ઢાંકેલ નહિ હોવાનું જણાતા તેને રોડની બાજુમાં ઉભી રખાવી હતી.પોલીસે સદર ટ્રકના ચાલક સુનિલ ખુમાનભાઈ વસાવા હાલ રહે.વાડી, તા.ઉમરપાડા જી.સુરત અને મુળ રહે.મીરાપુર, તા.વાલિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.