ભરૂચ,
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજના જોલવા ગામ નજીક ક્રુડ ઓઈલની પાઈપ લાઈનમાં આગ લાગવાની ઘટનામાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.ઘટના બાદ ઓએનજીસીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.કંપની અનુસાર ત્વરિત પગલાં ભરવાથી જાનમાલ અને આર્થિક નુકસાન ટાળી શકાયું છે.ક્રૂડની પાઈપ લાઈનમાં આગ ખાનગી ખોદકામના કારણે લાગી હોવાનું નિવેદન સામે આવ્યું છે.
સોમવારે ઓએનજીસીની પાઈપલાઈનમાં આગની ઘટના બની હતી.ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.તો ONGC એ નિવેદન કે ONGC અને GIDC ફાયર યુનિટ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.GGS જોલવા થી GGS દહેજ વચ્ચેની ૮ ઈંચની ઓઈલ પાઈપ લાઈનમાં આગ ફાટી નીકળવાની ઘટનામાં ઈજાઓ અથવા સંપત્તિને નુકસાન ટાળી શકાયું હતું.ઘટના સોમવારે બપોરે બની હતી.જેમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો નજરે પડ્યા હતા.આગના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.તો બીજી તરફ આગ કઈ પાઈપ લાઈનમાં લાગી છે તેની તપાસ બાદ આ ઓએનજીસીની પાઈપ લાઈનમાં આગની ઘટના બની હતી.આ મામલાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખાનગી પક્ષ દ્વારા પાઈપ લાઈનની આજુબાજુ ખોદકામ કરવામાં આવ્યું હતું અને પ્રક્રિયા દરમ્યાન આકસ્મિક રીતે પાઈપ લાઈનને નુકસાન થવાથી ઓઈલ લીકેજ થયું હતું.
વરિષ્ઠ અધિકારીઓની ટીમે વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ હેતુ માટે રચવામાં આવેલી પ્રાથમિક તપાસ સમિતિ દ્વારા મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને સપાટી ઉપર તરતા તેલના લેયરને ઉપાડવામાં આવી રહ્યું છે.પાઈપ લાઈનનું સમારકામ કરવાનું કામ અગ્રતાના આધારે હાથ ધરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે.