ભરૂચ,
ભરૂચથી દહેજ તરફ SRF કંપનીના કર્મીઓને કંપનીએ લઈને જતી લકઝરી બસ આગળ ઉભેલી ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં કંપનીના પાંચથી વધારે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં.
દહેજ જીઆઈડીસીમાં ઘણી કંપનીઓ આવેલી છે તેના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસોનો ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જેમાં આજરોજ ભરૂચથી દહેજ તરફ SRF કંપનીના કર્મીઓને લઈને બસ જઈ રહી હતી.તે દરમ્યાન જોલવા ગામ નજીક બસ પહોંચતા આગળ ઉભેલી એક ટ્રકના પાછળના ભાગે ધડકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે અહીથી પસાર થતા લોકો સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં બસમાં સવાર પ થી વધુ કર્મચારીઓને ઈજાઓ પહોંચતા 108 ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત એટલો ગંભીર હતો કે બસના આગળના ભાગને જેસીબી ની મદદથી સીધો કરવામાં આવ્યો હતો.