ભરૂચ,
ભરૂચ તાલુકાના ઝનોર ગામે નર્મદા તટે ચાલતો હોડીનો વ્યવસાય અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સેફ્ટી વિના જ માનવી અને પશુઓને હોડી મારફતે નદી પાર કરાવવામાં આવી રહી છે.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના સ્મરણો હજુ ઓસર્યા નથી,ત્યાં ભરૂચના નર્મદા કિનારેથી જોખમી હોડી સવારીનાં દ્રશ્યો સામે આવ્યા છે.નર્મદા નદી ઓળંગવા મોટા ફેરાવાથી બચવા લોકો નાવડીનો ઉપયોગ કરી રહ્યા છે.ઝનોર સ્થિત ઓરપટાર બામનિયા હોડીઘાટથી ઝઘડીયા તરફ લઈ જવા લાવવા માટે પ્રતિ વ્યક્તિ ભાડૂ વસૂલવામાં આવી રહ્યું છે.હોડીમાં માનવી અને પશુઓ સાથે બાઈક અને મોપેડ પણ ચઢાવી લઈ જવાય છે.નદીમાં હોડીનાં દ્રશ્યો અત્યંત જોખમી લાગી રહ્યા છે.જેથી પ્રશાસન સામે અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.નોંધનીય બાબત છે કે હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિનાજ જોખમી સવારી કરાવવામાં આવી રહી હતી.હોડીમાં લાઈફ જેકેટ તો રાખવામાં આવ્યા હતા.પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા.નવાઈની વાત તો એ છે કે જે બોટમાં માણસોને બેસાડવામાં આવી રહ્યા હતા.તેજ બોટમાં મોટરસાઇકલ તેમજ મૂંગા પશુઓને પણ જોખમી રીતે નદી પાર કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.હોડી સંચાલક રૂપિયા કમાવવાની લાલચમાં અનેક જીવોને જોખમમાં મૂકી રહ્યો છે.શુ આ વ્યવસાય અંગે પ્રશાસન પાસેથી પરવાનો લીધો હશે કે કેમ.? તે પણ એક મોટો પ્રશ્ન છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઓરપટાર બામનિયા હોડી ઘાટ ખાતે પ્રશાસનને અંધારામાં રાખી ગેરકાયદેસર રીતે આ વ્યવસાય કરવામાં આવી રહ્યો છે.પ્રશાસન દ્વારા કોઈજ મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બે દિવસ પહેલા આ અંગેની ફરિયાદના આધારે તંત્ર દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી.પરંતુ તે સમયે હોડીઘાટ બંધ હતો! તો બીજી તરફ આજરોજ નદીમાં નાવડીમાં સવાર અનેક મુસાફરો દ્રશ્યોમાં કેદ થયા હતા.બોટમાં લઈ જવામાં આવતા એક પણ વ્યક્તિને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું.બિન્દાસપણે બેરોકટોક ઓવરલોડમાં બોટ ચલાવવામાં આવી રહી છે.બોટની ફિટનેસને લઈને પણ આશંકાઓ ઉદભવી છે.જો આજ રીતે મુસાફરોનું જોખમી વહન કરવામાં આવશે તો વડોદરાના હરણી બોટ દુર્ઘટના જેવી મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં.ઝનોર સ્થિત ઓરપટાર બામનિયા હોડીઘાટ ખાતે ચાલતી બોટ કાયદેસર કે ગેરકાયદેસર.? તે તપાસનો વિષય છે.પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી જણાય રહ્યું છે.હવે જોવું એ રહ્યું કે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે કે પછી બોટની જોખમી સવારી યથાવત રહે છે.