ભરૂચ,
જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે ધામધૂમથી મહાશિવરાત્રીના ભાતીગળ મેળામાં તથા સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે શિવભક્તોનુ ઘોડાપુર ઉમટી અને સ્તંભેશ્વર મંદિરે શિવભક્તોએ મોટી સંખ્યામાં પૂજન અર્ચન કરી શિવમગ્ન બન્યા હતા.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે.જે મંદિર દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે સુપ્રસિધ્ધ પામ્યુ છે.દરિયા કાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે.મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતાં મોજા જોવામાં અહ્લલાદક આનંદની અનુભૂતિ થાય છે.
સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે.દિવસ દરમ્યાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે.સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનુ સર્જન માત્ર આ સ્થળ માટે જ થયુ હોય તેમ જણાય છે.ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનુ આખુ શિવલીંગ ડુબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દુર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે.ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે.સ્તંભેશ્વર તિર્થ ધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સ્તભેશ્વર મંદિર એ શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોકમેળા મેળાનું આયોજન કરવામાં આવે છે.જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે ઉમટી પડયા હતા. મહાશિવરાત્રીના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરો માંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા.સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતા.
મહશિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પ.પૂ.વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ.લાખો ભક્તોએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.