(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના વાવલી ગામના સરપંચ પ્રિતિકાબેન જગદીશભાઈ રાઠોડને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 (૧) ની જોગવાઈઓ ધ્યાને લઈ કેસનો આખરી નિકાલ ન આવે અથવા ગ્રામ પંચાયતની ધોરણસરની મુદ્દત પૂર્ણ થાય આ બે માંથી જે વહેલું થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોંકુફ કરવા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત આર જોષી દ્વારા હુકમ કરાતા સરપંચ આલમમાં ફફડાટ વ્યાપ્યો હતો.
જંબુસર તાલુકાના વાવલી ગામના સરપંચ પ્રિતિકાબેન જગદીશભાઈ રાઠોડ જેઓને 9/3/2023 થી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 (1) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચના હોદ્દા પર મોકુફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેની સામે પ્રિતિકાબેન રાઠોડ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 (3) હેઠળ વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરેલ હતી અને અપીલ અન્વયે હુકમને રદ્દ ઠરાવવામાં આવેલ અને પ્રિતિકાબેન રાઠોડને વાવલીના સરપંચ તરીકે પુનઃ ચાર્જ સુપ્રત કરવા જણાવતા તાલુકા વિકાસ અધિકારી જંબુસર દ્વારા 10/8/2023 ના રોજ થી સરપંચ પદે પુનઃ સ્થાપિત કરવામાં આવેલ હતા. ત્યાર બાદ 4/10/2023 ના રોજ પ્રિતિકાબેન રાઠોડને સોંપેલ કાર્યો અને ફરજો બજાવવામાં બેદરકારી, નિષ્કાળજી દાખવવા તથા પોતાની સત્તાનો દુરુપયોગ કરવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમ કલમ મુજબ ઈન્સાફ દરમ્યાન જેલમાં અટકમાં રાખવામાં આવેલ હોય જે અંગે કારણદર્શક નોટિસ પાઠવી 12/10/2023 ના રોજ સુનાવણીમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી અને કારણદર્શક નોટીસ સંદર્ભે 18/10/2023 ખુલાસો રજૂ કરેલ હોય, જેમાં સરપંચ તરીકે વ્યક્તિગત હિતના કાર્યોને મહત્વના આપી જાહેર હિતના પ્રજાલક્ષી ,સુખાધિકારના કાર્યોને મહત્વ આપી રહેલા છે.આ બધી પ્રવૃત્તિની ઈર્ષા રાખી રાજકીય કાવતરું રચી પોલીસનો તેમાં ગેરકાયદેસર ઉપયોગ કરી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અમો સામે થઈ રહી છે તેમ જણાવ્યું હતું.
આ કેસની તમામ વિગતો પક્ષકારોની દલીલો તથા અન્ય દસ્તાવેજી પુરાવા જોતા ન્યાયના વિશાળ હિતમાં ગુણદોષને ધ્યાને લેતા વાવલી સરપંચ પ્રીતિકાબેન જગદીશભાઈ રાઠોડને તેમની સામે નોંધાયેલ પોલીસ ફરિયાદના ગુન્હા અનવયે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 (1)ની જોગવાઈ ધ્યાને લઈ સદર કેસનો આખરી નિકાલ ન આવે અથવા ગ્રામ પંચાયતની ધોરણસરની મુદ્દત પૂર્ણ થાય આ બે માંથી જે વહેલું થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકુફ કરવા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત આર જોશી દ્વારા હુકમ કરાયો છે.